Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

તૈયાર માલનો ભરાવોઃ દિવાળીના વેકેશન પછી પણ સુરતના ૪૦% હીરાના કારખાના હજુય બંધ

કારખાનેદારો તૈયાર હીરાના ભાવોમાં કંઇક ફેરબદલ થાય તેની રાહ જોઇને બેઠા છે

મુંબઇ, તા.૨૨: ડાયમંડ સિટી સુરતમાં હીરાના ૫૫૦૦ જેટલા નાના-મોટા કારખાનાં આવેલા છે, પરંતુ દિવાળી બાદ ૪૦ ટકા જેટલા કારખાનાં હજુ નથી ખૂલ્યા. રત્ન કલાકારોના અસોસિએશનના જણાવ્યા અનુસાર, કારખાનેદારો તૈયાર હીરાના ભાવોમાં કંઈક ફેરબદલ થાય તેની રાહ જોઈને બેઠા છે, જેથી તેઓ પોતાનો સ્ટોક કલીયર કરી શકે. વરાછામાં હીરાનું કારખાનું ધરાવતા હિતેષ હિરપરાને ત્યાં ૧૫૦ લોકો કામ કરે છે. આમ તો, દિવાળીનું વેકેશન ૧૮ નવેમ્બરે જ પૂરું થઈ ચૂકયું છે, પંરતુ હિતેષભાઈ પોતાનું કારખાનું હજુ નથી ખોલી શકયા. હાલ અમરેલીમાં વેકેશન ભોગવી રહેલા હિરપરાનું કહેવું છે કે, તૈયાર માલનો જે ભરાવો થયો છે તેનો નિકાલ ન થાય ત્યાં કારખાનું શરુ કરવું મુશ્કેલ છે. હાલ તો ૨૫ નવેમ્બર પછી જ કામકાજ ફરી શરુ થઈ શકે તેવી શકયતા છે.

સુરત ડાયમંડ અસોસિએશનના પ્રમુખ બાબુ કથિરિયાએ જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં ૧૮મી નવેમ્બર સુધી વેકેશન હતું. જોકે, હાલ લોકો લગ્નગાળામાં વ્યસ્ત હોવાના કારણે, તેમજ સૌરાષ્ટ્રમાં સામાજીક પ્રસંગો ચાલી રહ્યા હોવાથી કારખાનેદારો સુરત પરત નથી આવ્યા. તૈયાર હીરાનો પણ ભરાવો થયો છે, તેવામાં કાચો માલ હાલ ખરીદવાનો કોઈ મતલબ નથી. તૈયાર હીરાના ભાવ દ્યટ્યા છે, જેમાં ક્રિસમસને કારણે વધારો થવાની શકયતા છે.

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું માનીએ તો, મંદીને કારણે હીરા ઉદ્યોગના વૈશ્વિક કેન્દ્ર ગણાતા એન્ટવર્પમાં હીરાનો વેપાર પ્રભાવિત થયો છે. ઓકટોબરમાં એન્ટવર્પમાંથી થતી તૈયાર તેમજ કાચા હીરાની આયાત-નિકાસમાં ૨૦ ટકાનો દ્યટાડો નોંધાયો છે. સુરતમાં તૈયાર હીરાનો ભરાવો થયો છે, તેના કારણે રફ હીરાની આયાત પણ ઘટી ગઈ છે.

ડાયમંડ એકસપોર્ટ સાથે સંકળાયેલા કિર્તી શાહનું માનવું છે કે, કામધંધો રુટિનમાં આવતા ડિસેમ્બર મહિનો તો આવી જ જશે. સુરત રત્નકલાકાર સંદ્યના પ્રમુખ જયસુખ ગજેરાનું કહેવું છે કે, શહેરમાં ૪૦ ટકા જેટલા નાના અને મધ્યમ કક્ષાના કારખાનાં હજુય બંધ છે. ખેતી અને લગ્નની સીઝનને કારણે કારીગરો પણ હજુય વતનમાંથી પાછા આવ્યા નથી.

(3:37 pm IST)