Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

શ્રી સત્યસાંઈબાબાનો કાલે જન્મદિન

બાબા કહેતા, જયાં સુધી હું બોલાવું નહિં ત્યાં સુધી ભકતો આશ્રમે મારી પાસે આવી શકતા નથી

જય સાંઈરામ, શ્રી સત્ય સાંઈ બાબાનો ૯૪મો જન્મ દિવસ તા.૨૩ નવેમ્બરના રોજ તેમના ભકતો તથા અનુયાયીઓ અને સમિતિઓ દ્વારા ધામધુમથી ઉજવાશે. આ નિમિતે પ્રભાતફેરી, દિપમાળા, આરતી, સંકિર્તન જેવા કાર્યક્રમો યોજાનાર છે. શ્રી સત્યસાંઈ બાબાનો જન્મ તા.૨૩ નવેમ્બર ૧૯૨૬ના રોજ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજુ પેદ્વેકપ્પા તથા માતાનું નામ ઈશ્વરમ્યા હતું. બાબાએ શાળાકીય અભ્યાસ ખુબ જ ઓછો કર્યો હોવા છતાં તેઓ ઘણી ભાષાઓ  જાણતા હતા. તેઓ નાની વયના હતા. ત્યારથી જ મિત્રો અને ગુરૂને ચમત્કારો તથા પરચાઓ બતાવતા હતા. તેમના વાંકડિયા ઘટાદાર વાળ તેમની વિશેષતા હતી. તેઓ હાથ હલાવીને વીંટી માળા, લોકીટ, વિભૂતિ વિ.કાઢતા હતા. સમગ્ર જીવન દરમિયાન તેઓ માત્ર એકવાર આફ્રિકા ગયા હતા. અમદાવાદમાં ૧૯૬૬માં તેઓએ દર્શન આપેલ.

બાબા હૈયાત હતા ત્યારે શિવરાત્રીએ પોતાનાં ગળામાંથી શિવલીંગ કાઢતા હતા. તેમના ભકતોમાં અભિનેતાઓ, રાજકીય નેતાઓ, રાજાઓ તથા મહાનુભાવોનો સમાવેશ થાય છે. જામનગરના રાજઘરાના સાથે બાબાને સારો ઘરોબો હતો.

શ્રી સત્ય સાંઈ બાબા શિરડી સાંઈ બાબાનો અવતાર મનાય છે. હવે પછીનો તેમનો અવતાર પ્રેમ સાંઈ તરીકે જાણીતો થશે. બાબાનાં દર્શને દેશ- વિદેશથી લાખો ભકતો આવતા રહેતા હતા. હવે તેમની સમાધિનાં દર્શને ભકતોનો પ્રવાહ ચાલુ જ છે.

પુટ્ટપર્થીમાં પ્રશાંતિ નિલયમ બાબાનો આશ્રમ છે. અહીં નજીકમાં જ ચિત્રાવતી નદી છે. અહીં સંસ્થામાં ચોખ્ખાઈ તથા પવિત્રતા બહુજ છે. નજીકમાં જ ટેકરીઓ, વૃક્ષો, વનરાજી તથા કુરદતી સૌંદર્ય નિહાળવા લાયક છે. બાબાનાં દર્શન તથા ચરણ સ્પર્શ ભાગ્યશાળીને જ થાય છે.

ગુજરાત સાથે બાબાની પ્રવૃત્તિઓનો સારો સંબંધ છે. ગુજરાતમાંથી દર વર્ષે જુન માસમાં અનેક ભાઈઓ- બહેનો પ્રશાંતિ નિત્યરૂપે સેવાર્થે જાય છે. સંસ્થા દ્વારા અનેક બ્લડ ડોનેશન કેમ્પ, આઈ કેમ્પ થાય છે. આપત્તિ સમયે ફુડ પેકેટોનું વિતરણ પણ થયું છે. મોરબી પાસે પીપળીયામાં, અમદાવાદ તથા સુરતમાં શૈક્ષણિક સંસ્થાઓ પણ કાર્યરત છે.

શ્રી સત્ય સાંઈ બાબાનાં માર્ગદર્શન તથા પ્રયાસોથી પુટ્ટપર્થી તથા આસપાસના વિસ્તારમાં કરોડોના ખર્ચે પાણીની સગવડ કરવામાં આવી હતી. પુટ્ટપર્થીમાં સત્ય સાંઈ હાર્ટ હોસ્પીટલમાં નિઃશુલ્ક હાર્ટના ઓપરેશન કરવામાં આવે છે. અમદાવાદ તથા રાજકોટમાં પણ આ પ્રકારની સુવિધાનક હોસ્પીટલો કાર્યરત છે. જેનો મોટી સંખ્યામાં દર્દીઓ લાભ ઉઠાવે છે.

શ્રી સત્ય સાંઈ સેવા સમિતિઓ સંકિર્તન દ્વારા ઘેર ઘેર ભજનો યોજે છે. બાબા પણ આશ્રમના હોલમાં ભકતોને દર્શન આપતા અને ભકતોના પત્રો સ્વીકારતા બાબા તેલુગુમાં વ્યાખ્યાન આપતા અને સંકિર્તન પણ કરાવતા.

બાબા કહેતા કે જયાં સુધી હું બોલાવું નહીં ત્યા સુધી ભકતો આશ્રમે મારી પાસે આવી શકતા નથી. શ્રી સાંઈ બાબાના જન્મ દિને બાબાના ચરણોમાં શતકોટિ વંદન નમસ્કાર.

પરમ પવિત્રં બાબા વિભૂતિમ્

પરમ વિચિત્રં લીલા વિભૂતિમ્

પરમાર્થ ઈષ્ટાર્થ માંથી પ્રજ્ઞત્તમ્

બાબા વિભૂતિમ્ ઈદમા- શ્રયામિ । જય સાંઈરામ

ભરત અંજારિયા, મો.૯૪૨૬૪ ૧૭૮૫૪

(11:30 am IST)