Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કાશ્મીર મામલે ફરી અમેરિકા પાસે દોડયા ઇમરાન ખાનઃ ટ્રમ્પને ફોન કરીને કરી કાગારોળ

'ડોનાલ્ડ ટ્રમ્પે જમ્મુ-કાશ્મીર વિવાદનાં શાંતિપૂર્ણ સમાધાન માટે પોતાના પ્રયત્નો ચાલુ રાખવા જોઇએ

ઇસ્લામાબાદ, તા.૨૨: પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગુરૂવારનાં ફોન પર વાત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. ટ્રમ્પ સાથે વાતચીતમાં ઇમરાન ખાને એકવાર ફરી કાશ્મીર પર કાગારોળ કરી. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને એ વાત પર જોર આપ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે શાંતિપુર્ણ સમાધાન માટે પોતાના પ્રયાસો ચાલું રાખવા જોઇએ. આ દરમિયાન તેમણે કાશ્મીર પર તેમની મધ્યસ્થતાની રજૂઆતની સરાહના કરી.

ઇમરાન ખાને રાષ્ટ્રપતિ ટ્રમ્પને જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યા. પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભાર આપીને કહ્યું કે, 'ડોનાલ્ડ  ટ્રમ્પે જમ્મુ-કાશ્મીર વિવાદનાં શાંતિપૂર્ણ સમાધાન માટે પોતાના પ્રયત્નો ચાલુ રાખવા જોઇએ.' વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં થયેલી વાતચીતને યાદ કરતા બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને વધારે મજબૂત કરવાની વાત કરી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને અમેરિકામાં જયારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી, તો કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતાની રજૂઆત કરી હતી.

ઇમરાન ખાનની સાથે ખાસ વાતચીત દરમિયાન કાશ્મીર મુદ્દો ઉઠવા પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, 'ભારતીય  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ તેમની સાથે મુલાકાત દરમિયાન કાશ્મીર મુદ્દો ઉકેલવામાં મદદ માટે કહ્યું હતુ. આવામાં જો આને ઉકેલવામાં કંઇ મદદ કરી શકુ છું તો હું મધ્યસ્થ બનીને મદદ કરવા ઇચ્છીશ.'

(11:22 am IST)