Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કલાસરૂમમાં સાપ કરડતા છોકરી મૃત્યુ પામી

કરડયા બાદ એક કલાક પછી મૃતક શેહલાને હોસ્પિટલમાં લઇ જવાઇ હતી

વાયનાડ, તા.૨૨ કેરળના વાયનાડ જિલ્લાના સુલતાન બાથેરીમાં કલાસરૂમમાં સાપ કરડતા બુધવારે ૧૦ વર્ષની છોકરીનું મૃત્યુ થયું હતું.

સરકારી વોકેશનલ હાયર સેકધડરી શાળાના વિદ્યાર્થીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે સાપ કરડયા બાદ એક કલાક પછી મૃતક શેહલાને હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.

શેહલાના કલાસની એક છોકરીએ જણાવ્યું હતું કે છોકરીના પિતા એને હોસ્પિટલમાં લઇ જશે, એમ જણાવીને શિક્ષકે ભણાવવાનું ચાલું રાખ્યું હતું. એના પિતા આવ્યા ત્યાર સુધીમાં છોકરીનો પગ લીલો થઇ ગયો હતો.

ટીવી ચેનલે એ કલાસરૂમ બતાવ્યો હતો અને છોકરી બેઠી હતી એની પાટલી નીચે કાણું હોવાનું જણાયું હતું.

છોકરીના એક સગાએ જણાવ્યું હતું કે શાળા અને જે હોસ્પિટલમાં પહેલા એને લઇ જવાઇ હતી, એ બંનેનો વાંક છે. ત્યાંથી છોકરીને કોઝીકોડેની હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી.

વાયનાડના જિલ્લા કલેકટર આદિલા અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે આ બહુ કમનસીબ બનાવ હતો. દોષી સામે પગલાં લેવામાં આવશે.

અતિરિકત જિલ્લા મેજિસ્ટ્રેટને શાળાની મુલાકાત લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ડેપ્યુટી ડિરેકટરે ગુરુવારે શાળાની મુલાકાત લઇને કલાસરૂમનું નિરીક્ષણ કર્યું હતું.

શિક્ષણપ્રધાન સી. રવિન્દ્રનાથે આ મામલે રિપોર્ટ મગાવ્યો છે.

દરમિયાન, મૃતક છોકરીના ગુસ્સે ભરાયેલા સગા અને સ્થાનિક લોકો શાળામાં ધસી આવ્યા હતા અને એમણે શિક્ષકોને માર મારવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પોલીસે એમને બચાવ્યા હતા. હાલ ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(10:10 am IST)