Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

વિધાનસભાને ભંગ કરવાનો નિર્ણય રાજ્યના હિતમાં થયો

રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા સ્પષ્ટતા કરાઈ : બંધારણ મુજબ કામ કર્યું છે : અપવિત્ર ગઠબંધનને મંજુરી નહીં આપે : ચૂંટાયેલી સરકાર સત્તારુઢ થાય તેવી મહેચ્છા

જમ્મુ, તા. ૨૨ : જમ્મુ કાશ્મીર વિધાનસભાને વિખેરી નાંખવામાં આવ્યાના એક દિવસ બાદ રાજ્યપાલ સત્યપાલ મલિકે આજે કહ્યું હતું કે તેઓએ રાજ્યના વ્યાપક હિતમાં તથા બંધારણ મુજબ કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં સરકારની રચના કરવા માટે હોર્સ ટ્રેડિંગની પ્રક્રિયા મોટાપાયે ચાલી રહી હતી. તેમણે કહ્યું હતું કે, પક્ષાંતર કરીને કોઇ સરકાર બનાવવામાં આવે તેમ તેઓ ઇચ્છતા નથી. કોઇપણ  અપવિત્ર ગઠબંધનની સરકારને તેઓ ચલાવી લેશે નહીં અને આવી સરકારને તક પણ આપશે નહીં. તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં બંધારણ મુજબ તેઓએ કામ કર્યું છે. રાજ્યના હિતમાં વિધાનસભાને વિખેરી નાંખવામાં આવી છે. રાજ્યપાલે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેમ તેઓ ઇચ્છે છે. એક ચૂંટાયેલી સરકાર કામ કરે તેવી અમારી ઇચ્છા છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજભવનમાં  ફેક્સ કામ કરી રહ્યું નથી તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, બુધવારના દિવસે ઇદના તહેવારની રજા હતી જેથી પીડીપીના સરકાર રચવાના દાવા અને સમર્થન અંગેના એનસીના પત્રો તેમની ઓફિસને મળ્યા ન હતા. નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા અને પીડીપીના નેતા મહેબુબા મુફ્તીને તે અંગે માહિતી હોવી જોઇએ કે બુધવારના દિવસે ઓફિસમાં રજા હતી. તે દિવસે ઇદ હોવાથી રજાનો માહોલ હતો. તેમણે ઉમેર્યું હતું કે, જે દિવસથી રાજ્યપાલ તરીકે નિમાયા છે તે દિવસથી જ કહેતા આવ્યા છે કે, રાજ્યમાં એવી કોઇ સરકારની તરફેણ કરશે નહીં જે સરકાર હોર્સ ટ્રેડિંગની પ્રક્રિયાથી બનાવવામાં આવી છે. છેલ્લા ૧૫ દિવસથી હોર્સ ટ્રેડિંગને લઇને વ્યાપક ફરિયાદો મળી રહી હતી. ધારાસભ્યોને ધાકધમકી આપવામાં આવી રહી હતી. મહેબુબા મુફ્તીએ પોતે આ અંગે ફરિયાદ કરી હતી. સત્યપાલ મલિકે કોંગ્રેસના નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે, જમીની લોકશાહી કેટલાક પક્ષો ઇચ્છતા નથી. તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરની પ્રજાના હિતમાં તેઓ કામ કરી રહ્યા છે. બુધવારના દિવસે જમ્મુ કાશ્મીરમાં બિનભાજપ પક્ષોની સરકાર બનાવવાના પ્રયાસો વચ્ચે રાજ્યપાલે વિધાનસભા વિખેરી નાંખી હતી. ત્યારબાદ કોંગ્રેસ અને પીડીપી અને એનસી દ્વારા રાજ્યપાલ ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલે આજે ફરીવાર તેમના નિવેદનને લઇને ખુલાસો કર્યો હતો. આ અંગે કોઇ વિવાદ છે કે કે કેમ તે અંગે પૂછવામાં આવતા મલિકે કહ્યું હતું કે, વિધાનસભાને વિખેરી નાંખવાનો નિર્ણય પ્રજાના હિતમાં લેવાયો છે.

(7:32 pm IST)