Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ગૃહિણીઓના બજેટના ગણિતને ઊંધુ પાડે તેટલો વધ્યો ગેસ સિલિન્ડરનો ભાવ : ૧૦૦૦ને પાર

દેશના અનેક વિસ્તારોમાં ૧૪.૨ કિલોના એલપીજીનો ભાવ ૧૦૦૦ને પાર પહોંચી ગયો છે : જાન્યુઆરીમાં ગેસ સિલિન્ડર ધારકો જેટલા રૂપિયા ચુકવતા હતા તેના કરતા હવે તેમને ૨૦૦ રૂપિયા વધુ ચુકવવા પડી રહ્યા છે

નવી દિલ્હી તા. ૨૨ : એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા ભારતીયો ગેલમાં આવી ગયા છે, પરંતુ તેમના બજેટ પર ગેસ સિલેન્ડરના ભાવનો વધારો ઝીંકાયો છે. દેશના અનેક વિસ્તારોમાં ૧૪.૨ કિલોના એલપીજી સિલેન્ડરનો ભાવ ૧૦૦૦ને પાર પહોંચી ગયો છે. જાન્યુઆરીમાં ગેસ સિલેન્ડર ધારકો જેટલા રૂપિયા ચૂકવાતા હતા, તેના કરતા હવે તેમને ૨૦૦ રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યાં છે.

કર્ણાટકના બિદારમાં એક સિલેન્ડર ૧૦૧૫.૫૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. બેગલુરૂમાં સબસીડી વગરનું ઘરેલુ સિલેન્ડર ૯૪૧ રૂપિયામાં મળે છે. મેંગલુરુમાં સિેલેન્ડરના ભાવ ૯૨૧ રૂપિયા છે. આ રીતે જ હુબલીમાં ૯૬૨ રૂપિયા અને બેલાગવીમાં ૯૫૬ રૂપિયામાં એક સિલેન્ડર વેચાઈ રહ્યું છે. આ પહેલા એપ્રિલ મહિનામાં સબસીડી વગરના ઘરેલુ સિલેન્ડરની કિંમત બેંગલુરુમાં ૬૫૪ રૂપિયા, મેગલુરૂમાં ૬૩૦ રૂપિયા, હુબલીમાં ૬૭૦ રૂપિયા અને બેલાગવીમાં ૬૬૬ રૂપિયા હતી. બિદારમાં તે સમયે તેની કિંમત ૭૨૧ રૂપિયા હતી.

હાલ પટનામા ગેસ સિલેન્ડરન ૧૦૩૯ રૂપિયા તથા રાયપુરમાં ૧૦૧૭ રૂપિયામાં, દાર્જિલિંગમાં ૧૧૧૧ રૂપિયા, એઝવાલમાં ૧૦૮૧ રૂપિયા, જમ્મુ સેકટરમાં ૧૦૦૩ રૂપિયા તથા કર્ણાટકમાં ૧૦૧૫ને પાર પહોંચી ગયો છે. આમ, દેશના અનેક શહેરોમાં ગેસ સિલેન્ડર ચારના આંકડામાં વેચાઈ રહ્યો છે.

ટેકસ અને ડ્યુટીની સાથે આધાર મૂલ્ય ઉપરાંત બોટલિંગ પ્લાન્ટથી તેના અંતરના આધાર પર એક શહેરથી બીજા શહેરમાં એલપીજી સિલેન્ડરનો ભાવ અલગ અલગ હોય છે. બિદારમાં એલપીજીની સપ્લાય બેલાગવી બોટલિંગ પ્લાન્ટથી થાય છે. પબ્લિક સેકટરની ત્રણ તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સમગ્ર રાજયમાં આવા ૧૧ પ્લાન્ટ સ્થાપિત કરાયા છે. ગેસ સિલેન્ડરના ભાવમાં આ વધારો ત્યારે થયો, જયારે હાલમાં જ પેટ્રોલ-ડીઝલના કિંમતમાં ક્રમશ ૭.૫૦ રૂપિયા તથા ૪ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ઘેરલુ એલપીસી સિલેન્ડરની કિંમત પેટ્રોલ-ડીઝલની જેમ રોજ નહિ, પરંતુ દર મહિને નક્કી કરાય છે.

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલિયમ મંત્રાલયે વર્ષ ૨૦૧૫માં ડીબીટી સ્કીમ લાગુ કરી હતી. આ સ્કીમ અંતર્ગત ગ્રાહકોને ગેર સિલેન્ડર ખરીદવા માટે પૂરતા રૂપિયા ચૂકવવાના રહેતા હતા. બાદમાં તેમના ખાતામાં સબસીડીના રૂપિયા જમા થાય છે. ત્રણ વર્ષ પહેલા અંદાજે ૩૫૦ રૂપિયાના ભાવે મળનારો ગેસ સિલેન્ડર હવે ૧૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જોકે, સબસીડીની રકમ પણ ગેસ સિલેન્ડરના ભાવની સાથએ વધે છે. પરંતુ સરકારની યોજના ઘરેલુ ગેસ સબસીડી નાબૂદ કરવાની છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકો સામે ગેસ સબસીડી છોડવાની અપીલ કરી હતી. જોકે, ઓનલાઈન બુકિંગમાં થયેલા બદલાવને કારણે પણ ખોટું બટન દબાઈ જવાને કારણે ગ્રાહકોને મળનારી સબસીડી બંધ થઈ શકે છે. આવામાં મોંઘવારીનો સીધો મારે ગ્રાહકો પર પડી રહ્યો છે.

(4:28 pm IST)