Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

બે લેનના હાઈવે પર ટોલ ૪૦ ટકા ઘટશેઃ ઘડાઈ રહી છે નવી નીતિ

આમ જનતા, ટ્રાન્‍સપોર્ટરો અને કોર્પોરેટ સેકટરની નારાજગી દૂર કરવા સરકારનો પ્રયાસઃ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની એજન્‍સીને વર્તમાન નીતિની સમીક્ષા કરી રીપોર્ટ આપવા જણાવ્‍યું : પે એન્‍ડ યુઝ હેઠળ જેટલુ અંતર તેટલો ટોલ એવો નિયમ આવશેઃ ટોલ નાકે અપાતી છૂટછાટની પણ સમીક્ષા થાય તેવી સંભાવના

નવી દિલ્‍હી, તા. ૨૨ : કેન્‍દ્ર સરકાર રાષ્‍ટ્રીય રાજમાર્ગો પરની ટોલ નીતિમાં ધરખમ ફેરફારો કરવા વિચાર કરી રહી છે. આનાથી સામાન્‍ય લોકોની સાથે સાથે ટ્રાન્‍સપોર્ટરો અને કોર્પોરેટ સેકટર માટે રાહતો હશે. આ માટે જાણીતી આંતરરાષ્‍ટ્રીય એજન્‍સી બીસીજીની સેવાઓ લેવામાં આવી છે જે વર્તમાન નીતિની સમીક્ષા કરી ૬ મહિનામાં પોતાના સૂચનો આપી દેશે.

માર્ગ મંત્રાલયના એક અધિકારીના જણાવ્‍યા પ્રમાણે બીસીજીને કહેવાયુ છે કે નીતિને આંતરરાષ્‍ટ્રીય માપદંડ અનુરૂપ બનાવવા અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની બનાવવાની સાથે સાથે બધાને સંતોષ થાય તેવા સૂચનો આપે.

બીસીજી ટોલના દર નક્કી કરવાની વર્તમાન ફોર્મ્‍યુલા પર પણ વિચાર કરશે. જેમાં જથ્‍થાબંધ ભાવાંકના આધાર પર દર વર્ષે એપ્રિલમાં ટોલ દરોમા ફેરફારોની જોગવાઈ છે. ગયા વર્ષે હાઈવે ઓથોરીટીએ એપ્રિલમાં આ આધારે દેશના રાષ્‍ટ્રીય રાજમાર્ગોના ટોલ દરોમાં પાંચ ટકાનો વધારો કર્યો હતો.

વર્તમાન નીતિમાં બે લેનના હાઈવે પર ૪ લેન હાઈવેની સરખામણીમાં ૬૦ ટકા ટોલ વસુલવાની વ્‍યવસ્‍થા છે. સાથોસાથ જે ૨૫ પ્રકારની વિશિષ્‍ઠ વ્‍યકિતઓને છૂટ આપવામાં આવી છે તેના ઉપર પણ વિચાર કરશે.

વર્તમાન ટોલનાકાની નીતિમાં ફેરફારોની ખાસ જરૂર છે. એક તો જનતાની નારાજગી છે અને બીજુ કોર્પોરેટ જગતની કેટલીક માંગણીઓ છે. લોકોની ફરીયાદ છે કે, ટોલના દરો વધુ છે અને ભાંગેલા રોડ પર પણ ટોલ લેવાય છે તો કોર્પોરેટ સેકટરે સમગ્ર નીતિની સમીક્ષા કરવા કહ્યુ છે.

ટ્રાન્‍સપોર્ટરો તો ટોલને સમાપ્‍ત કરવા માંગણી કરી રહ્યા છે. તેઓનું કહેવુ છે કે સરકાર વાહન ખરીદવાથી લઈને ચલાવવા સુધી અનેક પ્રકારના ટેક્ષ લ્‍યે છે તો ટોલ શા માટે ? ટોલ વિવાદોના સમાધાન માટે કોઈ નિયામક નથી.

નવી ટોલ નીતિ લાગુ થયા બાદ બે લેનવાળા રાષ્‍ટ્રીય રાજમાર્ગ પર ૪૦ ટકા સુધીનો ટોલ ઘટી શકે છે. સાથોસાથ પે એન્‍ડ યુઝ હેઠળ જેટલુ અંતર કાપો તેટલો ટોલ દેવાનો રહેશે. સરકાર એક દાયકા જુની ટોલ નીતિમાં ફેરફાર કરવા જઈ રહી છે.

(10:39 am IST)