Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

NCBએ અનન્યા પાંડેની ચાર કલાકની પુછપરછ કરી : સોમવારે ફરીથી હાજર રહેવું પડશે

અનન્યાને શુક્રવારે 11 વાગ્યે ઓફિસમાં બોલાવવામાં આવી હતી, પરંતુ અભિનેત્રી બપોરે 2.30 વાગ્યે ઓફિસ પહોંચી

મુંબઈ : ડ્રગ્સ મામલે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન બાદ હવે અભિનેત્રી અનન્યા પાંડે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના રડાર પર છે. ગુરુવારે એનસીબી અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી, ત્યારબાદ અભિનેત્રીને પણ પૂછપરછ માટે ઓફિસ બોલાવવામાં આવી હતી. આ પછી, એનસીબી દ્વારા અનન્યાને શુક્રવારે 11 વાગ્યે ઓફિસમાં બોલાવવામાં આવી હતી, પરંતુ અભિનેત્રી બપોરે 2.30 વાગ્યે ઓફિસ પહોંચી હતી. એનસીબીએ અનન્યાની લગભગ ચાર કલાક પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અનન્યા પાંડે બપોરે 2.30 વાગ્યે NCB ઓફિસ પહોંચી હતી. અનન્યા સાથે તેના પિતા ચંકી પાંડે પણ હતા. અને લગભગ 6.30 વાગ્યે અનન્યા પાંડે એનસીબીની ઓફિસમાંથી બહાર આવી. આ સ્થિતિમાં એનસીબીએ અનન્યાની લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. એનસીબી વતી, અશોક જૈને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, સોમવારે સવારે અનન્યા પાંડેને ફરીથી બોલાવવામાં આવી છે, જોકે હાલ પુરતી પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ બાકીની પ્રક્રિયા પૂર્ણ થશે. આ સાથે, જ્યારે અશોકને પૂછવામાં આવ્યું કે શું અનન્યાએ આર્યન કેસમાં ડ્રગ પેડલર્સની સંખ્યા અંગે કોઈ માહિતી આપી હતી, ત્યારે તેણે કહ્યું - મારી પાસે તેના વિશે કોઈ માહિતી નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનન્યા પાંડેની કાનૂની ટીમ શુક્રવારે સવારે લગભગ 10 વાગે અભિનેત્રીના ઘરે પહોંચી હતી. અનન્યાની સાથે, ચંકી પાંડે પણ લીગલ ટીમ સાથેની બેઠકમાં હાજર હતા. આવી સ્થિતિમાં કહેવામાં આવી રહ્યું છે કે આજે અનન્યા પાંડે સંપૂર્ણ તૈયારી સાથે આવી છે.

(8:37 pm IST)