Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

મરઘી આપવા ના પાડનારનો નિહંગોએ પગ તોડી નાખ્યો

ખેડૂત આંદોલનમાં નિહંગો વિવાદમાં ઘેરાઈ રહ્યા છે : બનાવને લગતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ વ્યક્તિનો પગ તુટેલો નજરે પડે છે

નવી દિલ્હી, તા.૨૨ : દિલ્હી બોર્ડર પર ચાલતા ખેડૂત આંદોલનમાં નિહંગો સતત વિવાદમાં ઘેરાઈ રહ્યા છે. તાજેતરમાં નિહંગોએ એક દલિત મજૂરની હત્યા કરી નાંખી હતી.

હવે તેમણે સોનીપત કુંડલી બોર્ડર પર મરઘી આપવાની ના પાડનારા વ્યક્તિને માર મારીને તેનો પગ તોડી નાંખ્યો હોવાનો આરોપ મુકાઈ રહ્યો છે. આ બનાવને લગતો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ વ્યક્તિનો પગ તુટેલો નજરે પડે છે.

એવો આરોપ છે કે, નિહંગોના જૂથમાં સામેલ એક વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. વિડિયોમાં પિડિત વ્યક્તિ કહી રહ્યો છે કે, મરઘી નહીં આપવા બદલ મારો પગ તોડવામાં આવ્યો છે. મારપીટનો ભોગ બનેલા વ્યક્તિનુ નામ મનોજ કુમાર છે અ્ને તે મૂળે બિહારનો છે. તેણે કહ્યુ હતુ કે, ગુરૂવારે હું નજીકના પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘા લઈને દુકાનદાર પાસે જઈ રહ્યો હતો ત્યારે એક નિહંગ યુવકે મને રોકી દીધો હતો. તેના હાથમાં ડંડાવાળી ફરસી હતી. તેણે મને મરઘો આપવા માટે કહ્યુ હતુ. મેં ના પાડી દીધી હતી અને કહ્યુ હતુ કે, આ મરઘા મારે દુકાન પર પહોંચાડવાના છે. તમે ત્યાંથી અથવા પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘી લઈ શકો છે. એ પછી તેણે મારા પર હુમલો કર્યો હતો અને મને પગમાં બહુ વાગ્યુ પણ છે.

હુમલાનો ભોગ બનનાર આ શ્રમજીવી હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

(7:16 pm IST)