Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ચીનના હુમલા સામે અમેરિકા તાઈવાનની રક્ષા કરશેઃ જો બાઈડન

અમેરિકી રાષ્ટ્રપતિના નીવેદનથી બંને મહાસત્તાઓ વચ્ચે તનાવમાં વધારો થવાની શકયતા

નવી દિલ્હી,તા.૨૨: છાશવારે તાઈવાનને ડરાવી રહેલા ચીનને અમેરિકન પ્રમુખ જો બાઈડને એવી ચેતવણી આપી છે કે, તેના કારણે આ બંને મહાસત્તાઓ વચ્ચે તનાવમાં વધારો થશે.

બાઈડને કહ્યુ છે કે, ચીન સામે અમેરિકા તાઈવાનની રક્ષા કરશે. અમે તેના માટે પ્રતિબધ્ધ છે. આમ અમેરિકાએ તાઈવાનને લઈને પોતાનુ શું વલણ હશે તે હવે સ્પષ્ટ થઈ ગયુ છે.

બાઈડનને એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં આ સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેના જવાબમાં બાઈડને કહ્યુ  હતુ કે, તાઈવાની રક્ષા માટે અમે પ્રતિબધ્ધ છે. આ પહેલા અમેરિકાએ તાઈવાન માટે ડિફેન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામાં સક્રિય હોવાનુ કહેલું છે પણ આ રીતે તાઈવાનની રક્ષા કરવાની વાત પહેલા કરી નથી.

ભૂતકાળમાં અમેરિકાએ તાઈવાનને તમામ પ્રકારની સૈન્ય સહાયતા કરવાની વાત અવાર નવાર દોહરાવી છે. તાઈવાનને અમેરિકા હથિયારો પણ પૂરા પાડતુ હોય છે. પણ આ રીતે તાઈવાનની રક્ષા કરવાની ગેરંટી અમેરિકાએ પહેલા આપી નથી.

જોકે બાઈડનના નિવેદન બાદ વ્હાઈટ હાઉસે કહ્યુ હતુ કે, તાઈવાનને લઈને અમેરિકાની નીતિમાં કોઈ બદલાવ થયો નથી. અમે તાઈવાનની આત્મરક્ષાનુ સમર્થ કરવાનુ ચાલુ રાખીશું અને હાલની જે સ્થિતિ છે તેમાં એકતરફી બદલાવનો વિરોધ કરવાનુ પણ ચાલુ રાખીશું.

ઉલ્લેખનીય છે કે, તાઈવાનને પોતાનો જ હિસ્સો માનતુ ચીન છેલ્લા કેટલાક સમયથી ગમે ત્યારે તાઈવાનને પોતાની અંદર ભેળવી દેવા માટે ધમકીઓ આપી રહ્યુ છે.

(3:50 pm IST)