Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

GSTમાં ઇન્સ્પેકટર રાજઃ નોટિસની સુનાવણીના નીતિ-નિયમો નેવે મુકાયા

કરદાતાની રૂબરૂ સુનાવણી વિના જ ઓર્ડરના કિસ્સામાં બેફામ વધારો

નવી દિલ્હી, તા.૨૨: બોગસ બિલિંગના કેસમાં વેપારીએ ક્રેડિટ લીધી હોય તેવા કિસ્સામાં કરદાતાએ ખોટી રીતે લીધેલી ક્રેડિટની નોટિસ સ્ટેટ જીએસટી દ્વારા આપવામાં આવે છે. આ કેસમાં કરદાતા દ્વારા જવાબ રજૂ કરાયા બાદ જવાબ યોગ્ય નહીં હોય તો બીજી વખત નોટિસ આપીને પૂરતા જવાબ રજૂ કરવાનો સમય આપ્યા વિના જ ઓર્ડર કરી દેવામાં આવતા હોવાથી કરદાતાની પરેશાનીમાં વધારો થયો છે. જોકે નિયમ પ્રમાણે કરદાતાને રૂબરૂ બોલાવીને તેની સુનાવણી કરવાની હોય છે છતાં પણ આવા તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને ઓર્ડર આપી દેવાના કારણે કરદાતાએ નાછૂટકે હાઇકોર્ટમાં જવાની સ્થિતિ સર્જાય છે. તેના લીધે વેપારીઓનો મરો થઇ રહ્યો હોવા છતાં સ્ટેટ જીએસટીના અધિકારીઓની મનમાની યથાવત રહેવા પામી છે.

બોગસ બિલિંગમાં કરદાતાની સંડોવણી હોવાના કિસ્સામાં સ્ટેટ જીએસટી દ્વારા કરદાતાને સૌથી પહેલા નોટિસ મોકલીને જવાબ રજૂ કરવા માટે જણાવતા હોય છે. તે આધારે કરદાતા જવાબ રજૂ કરતા હોય છે. તે જવાબ થોગ્ય નહીં હોય તેવા કિસ્સામાં અધિકારીએ કલમ ૭૫(૪) પ્રમાણે કરદાતાને રૂબરૂ બોલાવીને સુનાવણી કરવાની હોય છે. પરંતુ આવી કોઇ પણ સુનાવણી કર્યા વિના જ ઓર્ડર કરી દેતા હોય છે. તેના કારણે જીએસટીની કલમ  ૭પ(૪)નું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાના લીધે કરદાતાની પરેશાનીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત કરદાતા સામે કરવામાં આવતા કાર્યવાહીના કિસ્સામાં તેઓ દ્વારા પૂરતા પુરાવા માંગવામાં આવે તો પણ સ્ટેટ જીએસટીના અધિકારીઓ પુરાવા પણ આપતા નહીં હોવાથી કયા આધારે કાર્યવાહી થઇ રહી છે તેની પણ પૂરતી જાણકારી કરદાતાને મળતી નથી. જેથી કાયદાની ઉપરવટ જઇને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની પણ વ્યાપક ફરીયાદ ઉઠી રહી છે.(૨૩.૧૦)

નોટિસ અતે કરેલા ઓર્ડરમાં જોવા મળતી વિસંગતતા

આ પ્રમાણે આપવામાં આવતા ઓર્ડર કાયદાકીય રીતે યોગ્ય નહીં હોવા છતા સ્ટેટ જીએસટીના અધિકારીઓ કરદાતાને સુનાવણીમાં બોલાવ્યા વિના જ ઓર્ડર આપી દેતા હોય છે. તેમજ જયારે નોટિસ આપી હોય તે અને ઓર્ડરમાં વિસંગતતા હોવા છતાં તેઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેના કારણે કરદાતાએ તકલીફ વેઠવાની નોબત આવીને ઊભી રહેતી હોય છે. - મુકુંદ ચૌહાણઃ વકીલ.

(11:22 am IST)