Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં ફરી લાગી આગ

રાજસ્થાનમાં પેટ્રોલ ૧૨૦: ડિઝલ ૧૧૦ની નજીક

આજે બંને ઇંધણમાં ૩૫-૩૫ પૈસાનો ભાવ વધારો

નવી દિલ્હી, તા.૨૨: પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત ત્રીજા દિવસે વધી છે. દેશમાં પહેલીવાર પેટ્રોલ ૧૨૦ રૂપિયા અને ડીઝલ ૧૧૦ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. રાજસ્થાન શ્રી ગંગાનગરમાં પેટ્રોલ ૧૧૯.૦૫ રૂપિયા અને ડીઝલ ૧૦૯.૮૮ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. આજે શુક્રવાર ૨૨ ઓકટોબરે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં ૩૫ પૈસાનો વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલ હવે ૧૦૬.૮૯ રૂપિયા અને ડીઝલ ૯૫.૬૨ રૂપિયા પ્રતિ લીટર થયું છે. મુંબઇમાં પેટ્રોલ ૧૧૨.૭૮ અને ડીઝલ ૧૦૬.૬૩ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.

રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં જ ભાવ સૌથી વધારે કેમ છે, જયારે રાજસ્થાનના અન્ય શહેરોમાં તેના કરતા ઘણા ઓછા ભાવ છે. રાજસ્થાન દેશમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધારે વેટ લગાવે છે. શ્રી ગંગાનગરમાં સૌથી વધારે મોંઘુ પેટ્રોલ હોવાનું કારણ ટ્રાન્સપોર્ટેશન છે. પહેલા હનુમાનગઢમાં ડેપો હતો જે સપ્ટેમ્બર ૨૦૧૧માં બંધ થઇ ગયો હતો. ત્યાર પછી પેટ્રોલ હવે જયપુર, જોધપુર, ભરતપુરથી અહીં આવે છે અને તેના લીધે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય છે. આના કારણે પેટ્રોલના ભાવ લગભગ પાંચ રૂપિયા પ્રતિ લીટર જેટલા વધી જાય છે. આ પૈસા કંપની આપતી પણ તે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે.

(11:16 am IST)