Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ચૂંટણી જંગ કેમ જીતાય ? સંઘે ભાજપને આપ્યો મંત્ર

ખેડૂતો પ્રત્યે નરમ વલણ અપનાવવા સલાહ

નવી દિલ્હી તા. ૨૨ : પંજાબ અને ઉત્તરપ્રદેશ સહિત કેટલાય રાજ્યોમાં થનાર આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભાજપને ચૂંટણી જીતવાનો મંત્ર બતાવ્યો છે. સાથે જ સંઘે ભાજપાને ખેડૂતો પ્રત્યે નરમ વલણ દાખવવા અને કોઇ પણ સમુદાયનો વિરોધ કરવાથી અળગા રહેવા કહ્યું છે.

સૂત્રો અનુસાર આ સપ્તાહની શરૂઆતમાં નોઇડામાં સંઘના સીનીયર નેતાઓ અને ભાજપા નેતાઓ વચ્ચે એક મિટીંગ થઇ હતી. જેમાં ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાય સાંસદો અને ધારાસભ્યો પણ સામેલ થયા હતા. બેઠકમાં સંઘના નેતાઓેએ ભાજપાને સલાહ આપી કે કિસાન આંદોલનની સૌથી વધુ અસરવાળા પશ્ચિમ યુપીમાં તેમને શાંત કરવાની જરૂર છે.

સંઘનું એ પણ માનવું છે કે સત્તાધારી ભાજપા યુપીના કેટલાક ભાગોમાં જાટ અને શીખો પ્રત્યે શત્રુતાપૂર્ણ વ્યવહાર કરી રહી છે જે તેમના માટે બહુ નુકસાનકારક બની શકે છે. ભાજપા અને સંઘના નેતાઓ વચ્ચેની આ મીટીંગમાં સામેલ સંઘના સીનીયર નેતા કૃષ્ણ ગોપાલે પણ ભાજપા નેતાઓને આંદોલનકારી ખેડૂતો પ્રત્યે નરમ વલણ અપનાવવાની સલાહ આપી છે.

સંઘની સાથે સાથે ભાજપાનું પણ અનુમાન છે કે, ખેડૂતોના વિરોધ પ્રદર્શનના કારણે પંજાબના શીખ સમુદાય અને જાટોમાં પણ સામે બહુ ગુસ્સો અને આક્રોશ છે. જો કે તેમ છતાં ભાજપા નેતાઓનું માનવું હતું કે, પશ્ચિમ યુપીમાં જાટ પક્ષની વિરૂધ્ધ મોટા પ્રમાણમાં મતદાન નહીં કરે કેમકે ત્યાં કૃષિ કાનુન એક માત્ર મુદ્દો નથી. પણ ગત દિવસોમાં લખીમપુર ખીરી કાંડમાં ચાર ખેડૂતોના મોતે પરિસ્થિતિ બદલાવી નાખી છે.

આ પહેલા ભાજપા સાંસદ વરૂણ ગાંધીએ પણ સાર્વજનિક રૂપે પ્રદર્શનકારી ખેડૂતોને ખાલિસ્તાની અલગતાવાદીઓ સાથે જોડવાના પ્રયાસોની ટીકા કરી હતી અને ચેતવણી આપતા કહ્યું હતું કે, તે રાષ્ટ્રીય સુરક્ષા માટે બહુ ખતરનાક સાબિત થઇ શકે છે.

(10:20 am IST)