Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

આતંકવાદને પાલન-પોષણ આપવાની ઇમરાન ખાનને મળી સજાઃ FATFની ગ્રે લિસ્ટમાં યથાવત પાકિસ્તાન

તુર્કીને પણ FATFની ગ્રે લિસ્ટમાં ઉમેરવામાં આવ્યું છે

લંડન, તા.૨૨: આતંકવાદને પ્રોત્સાહન આપી રહેલા પાકિસ્તાનને ફરી એકવાર રાહત મળી નથી. ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)એ ઈમરાન ખાનને ઝટકો આપતા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જાળવી રાખ્યું છે. તેની સાથે જ તુર્કીને પણ FATFની ગ્રે લિસ્ટમાં ઉમેરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ઇમરાન ખાન લાંબા સમયથી આતંકવાદ સામે બનાવટી કાર્યવાહી કરી રહ્યા છે, જે વિશ્વના દેશો સારી રીતે સમજે છે.

એફએટીએફની બેઠકમાં અન્ય દ્યણા દેશો પર પણ નિર્ણય લેવાયો હતો. ત્રણ દેશોને FATFની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે, તેમાં તુર્કી, જોર્ડન અને માલી સામેલ છે. ત્રણેય દેશો એફએટીએફ સાથે એક એકશન પ્લાન શેર કરવા સંમત થયા છે.

બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા ફાઈનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સના પ્રમુખ માર્કસ પ્લેયરે જણાવ્યું હતું કે FATF મોરેશિયસ અને બોત્સ્વાનાને ગ્રે લિસ્ટમાંથી હટાવવા બદલ અભિનંદન આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાન સતત નિગરાની (ગ્રે લિસ્ટ)માં છે. તેની સરકાર પાસે ૩૪-પોઇન્ટ એકશન પ્લાન છે જેમાંથી ૩૦ને એડ્રેસ કરવામાં આવ્યું. તેમાંનું તાજેતરનું જૂનમાં મની લોન્ડરિંગ વિશે હતું.

બેઠક પહેલા જ એવી આશંકા વ્યકત કરવામાં આવી રહી હતી કે પાકિસ્તાન FATFની ગ્રે લિસ્ટમાં રહેવાનું છે. હકીકતમાં પાકિસ્તાને સંયુકત રાષ્ટ્ર દ્વારા નામિત આતંકવાદી સંગઠનોના નેતાઓ અને કમાન્ડરો સામે ઝડપી કાર્યવાહી કરવાની હતી, પરંતુ તે પેરામીટરનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું.

જોકે પાકિસ્તાનના ઉર્જા મંત્રી હમ્માદ અઝહરે આશા વ્યકત કરી હતી કે હવે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને એક સિવાય તમામ કાર્ય એકશન પ્લાનને લાગૂ કરી દીધું છે અને છેલ્લા પ્લાનને પણ ટૂંક સમયમાં લાગુ કરશે. જોકે FATF પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા પગલાઓ સાથે સહમત ન હતું અને તેને ગ્રે લિસ્ટમાં જાળવી રાખ્યું હતું.

આ વર્ષની શરૂઆતમાં FATFની બેઠક પણ યોજાઈ હતી, જેમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવ્યું હતું. હકીકતમાં પાકિસ્તાન વર્ષ ૨૦૧૮થી ગ્રે લિસ્ટમાં છે અને ઘણી વખત બ્લેક લિસ્ટમાં જવાનો ભય રહે છે. ગ્રે લિસ્ટમાં હોવાને કારણે પાકિસ્તાનને ઘણા અબજો ડોલરનું નુકસાન સહન કરવું પડે છે.

(10:20 am IST)