Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ચીનમાં ફલાઇટસ રદઃ શાળાઓ બંધ : ઘરમાં કેદ થયા લોકો

કોરોનાની વાપસીએ સમગ્ર દુનિયામાં ચિંતા વધારી : નવા કેસો સતત વધી રહ્યા છેઃ અને તેને જોતા ચીનની સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યુ છે

બેઇજિંગ, તા.૨૨: ચીનમાં કોરોનાની વાપસીએ સમગ્ર દુનિયામાં ચિંતા વધારી છે. અહીં નવા કેસો સતત વધી રહ્યા છે અને તેને જોતા ચીનની સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે, દ્યણા વિસ્તારોમાં શાળાઓ બંધ થઈ ગઈ છે, અને કેટલાક સ્થળોએ ફરીથી લોકડાઉન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. હવે ચીને ફરી એકવાર દરેકનું ટેન્શન વધારી દીધું છે.

ચીનના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ શહેરોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પ્રશાસન કેટલાક બહારથી આવેલા યાત્રીઓને આ આઉટબ્રેક માટે જવાબદરા ગણી રહ્યું છે. તેને જોતા પ્રશાસને કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. માસ ટેસ્ટિંગ ઉપરાંત ટુરિસ્ટ સ્પોર્ટ બંધ કરવામાં આવ્યા છે, સંક્રમણવાળી જગ્યાઓ પર મનોરંજનના સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને કેટલાક વિસ્તારોમાં લોકડાઉન પણ આવી ગયું છે.

ત્યારે ચીનના Lanzhou વિસ્તારમાં લોકોને તેમના દ્યરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. જે લોકો બહાર આવી રહ્યા છે તેમને પણ કોવિડનો નેગેટિવ રિપોર્ટ બતાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. એવું જાણવા મળ્યું છે કે વધતા જતા કેસોને કારણે Xi’an અને Lanzhou વિસ્તારોમાં ૬૦ ટકા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એવા સમાચાર પણ છે કે મંગોલિયન ક્ષેત્રમાં વધતા જતા કેસોને કારણે કોલસાની આયાત પર પણ અસર પડી શકે છે.

જોકે અત્યારે ચીનમાં ૨૪ કલાકમાં માત્ર ૧૩ કેસ નોંધાયા છે, પરંતુ ગત વર્ષ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે સરકાર કડક પગલાં લઈ રહી છે. ચીનના આ ટેન્શનને કારણે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઇ છે, કારણ કે કોરોના મહામારીની શરૂઆતમાં પણ આવું જ થયું હતું. નોંધપાત્ર રીતે, દુનિયાના ઘણા દેશોમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થયો છે. ખાસ કરીને રશિયા, અમેરિકા અને બ્રિટનમાં સંક્રમણની રફતાર વધી છે.

(10:18 am IST)