Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

કેરળ હાઈકોર્ટની ટિપ્પણી

પિતાનો પુત્રી પર બળાત્કાર જેવો જઘન્ય અપરાધ બીજો કોઈ નહીં

એક પિતા રક્ષા કરનાર અને આશ્રય દેનાર હોય છે, તેના દ્વારા દીકરી પર બળાત્કાર કરવો તે જઘન્ય અપરાધ છે

કોચી,તા. ૨૨: એક પિતા દ્વારા જ પોતાની દીકરીનો બળાત્કાર કરવો એ રક્ષક જ ભક્ષક બને તેના કરતાં પણ વધારે ખરાબ છે, આ ટિપ્પણી કેરળ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું કે, કોઈ મહિલા કે છોકરીના યૌન સંબંધ બનાવવાની આદત હોવાને કારણે કોઈ વ્યકિતને બળાત્કારના મામલામાં દોષમુકત કરવાનું કારણ બની શકે નહીં, અને તે પણ ખાસ કરીને એક પિતાને, જેને પોતાની દીકરીની રક્ષા કરવાની અને શરણ આપવાની આશા હોય છે. કોર્ટે વારંવાર પોતાની દીકરીનો બળાત્કાર કરવો અને તેને ગર્ભવતી બનાવવાને લઈને એક વ્યકિતને દોષી ઠેરવાં આ ટિપ્પણી કરી હતી.

કેરળ હાઈકોર્ટના જસ્ટિસ આર.નારાયણ પિશારદીએ આ ટિપ્પણી પીડિતાના પિતાના એ દાવો કર્યા બાદ આપી, જેમાં તેણે જણાવ્યું હતું કે, આ મામલામાં તેને ફસાવવામાં આવી રહ્યો છે, કેમ કે તેની દીકરીએ સ્વીકાર કર્યો છે કે, તેના અન્ય વ્યકિત સાથે પણ યૌન સંબંધ હતા. હાઈકોર્ટે તેના નિર્દોષ હોવાના દાવાને ફગાવતા કહ્યું કે, યૌન ઉત્પીડનના પરિણામ સ્વરૂપ મે ૨૦૧૩માં જન્મેલ બાળકના ડીએનએ તપાસમાં એ ખુલાસો થાય છે કે, પીડિતાના પિતા જ બાળકના જૈવિક પિતા છે.

હાઈકોર્ટે કહ્યું કે, છોકરી યૌન સંબંધ બનાવવાની આદત ધરાવે છે, એ આરોપીને બળાત્કારના આરોપથી દોષમુકત કરવાનો આધાર થઈ શકે નહીં. અને એ માની લેવામાં આવે કે, પીડિતાએ પૂર્વમાં યૌન સંબંધ બનાવ્યા હતા, તો પણ તે કોઈ નિર્ણાયક સવાલ નથી. કોર્ટે કહ્યું કે, તેનાથી વિરુદ્ઘ એ નિર્ણય કરવાની જરૂર છે કે શું આરોપીએ પીડિતાનો એ સમયે બળાત્કાર કર્યો હતો, જે સમયે તેણે ફરિયાદ કરી હતી.

હાઈકોર્ટે કહ્યું કે, પિતાનું કર્તવ્ય છોકરીની રક્ષા અને મદદ કરવી છે. પણ તેણે બળાત્કાર કર્યો. પીડિતાની સાથે જે સ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે, તેની કલ્પના કોઈ કરી શકતું નથી. તે માનસિક વેદના અને પીડા આગામી વર્ષોમાં અનુભવી શકે છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, પિતા તરફથી પોતાની દીકરી પર બળાત્કાર કરવો તેનાથી વધારે જઘન્ય અપરાધ બીજો કોઈ હોઈ શકે નહીં. રક્ષક જ ભક્ષક બની ગયો. જયારે પિતા રક્ષા કરનાર અને આશ્રય દેનાર હોય છે.

(9:57 am IST)