Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

છોકરીઓમાં વહેલી તરૂણાવસ્થા ચિંતાજનકઃ કેમિકલ્સ જવાબદાર

સામાન્ય રીતે છોકરીઓમાં તરૂણાવસ્થા ૧૩થી ૧૫ વર્ષની વયે આવતી હોય છેઃ જોકે, હાલના દિવસોમાં સાત વર્ષની વયે પણ છોકરીઓ તરૂણાવસ્થામાં પ્રવેશે છે તેની સંખ્યા વધી રહી છે

નવી દિલ્હી,તા. ૨૨: સામાન્ય રીતે છોકરીઓમાં તરૂણાવસ્થા (પ્યુબર્ટી)ની ઉંમર ૧૩થી ૧૫ વર્ષની હોય છે પરંતુ કયારેક છોકરી સાત વર્ષની વયે પણ તરૂણાવસ્થામાં પ્રવેશે છે અને આ બાબતથી ડોકટરો ચિંતિત બન્યા છે. બે-ત્રણ વર્ષ અગાઉ આવા કેસ આવતા હતા પરંતુ હાલના સમયમાં આવા કેસોમાં ઉછાળો આવ્યો છે તેમ ડોકટરોએ જણાવ્યું છે.

છોકરીઓમાં અચોક્કસ તરુણાવસ્થાને આઠ વર્ષની ઉંમર પહેલા દેખાતા પ્યુબર્ટલ ફેરફારો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને ડિપ્રેસિવ ડિસઓર્ડર્સ, હોર્મોનલ અસંતુલન અને અટકેલા વિકાસના વધતા જોખમ સહિત વિવિધ મુદ્દાઓ સાથે આવે છે.

આ પાછળ કયું કારણ જવાબદાર છે તે હજી સુધી જાણી શકાયું નથી. જંતુનાશકો, પ્લાસ્ટિક મટિરિયલ્સમાં રહેલા બીપીએ, પર્સનલ કેર માટે વપરાતા ઉત્પાદનોમાં રહેલા પેરેબેન્સ, ટેફલોન કૂકવેર અને નોનસ્ટિક રેપર્સના પરફ્લુઓરોકેમિકલ્સ, દ્યરમાં સફાઈ માટે વપરાતા પ્રવાહીઓમાં રહેલા કેટલાક ચોક્કસ કેમિકલ્સ, બિલ્ડિંગ મટિરિયલ્સમાં ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક ચોક્કસ કેમિકલ્સ, સોયામાં રહેલા ફાયટોએસ્ટ્રોજન અને અન્ય દ્યણા કેમિકલ્સ ખોરાક, પાણી, હવા, સ્કિન કેર પ્રોડકટ્સ દ્વારા માનવ શરીરમાં પ્રવેશે છે અને આ સમસ્યાને વધારવામાં ભૂમિકા ભજવે છે.

મેગ્ના સેન્ટર્સના ચીફ પિડિયાટ્રિશિયન ડોકટર શિવરંજની સંતોષે જણાવ્યું હતું કે, દ્યણી છોકરીઓમાં તરૂણાવસ્થા (સ્તનોનો વિકાસ થવો, અન્ડરઆર્મ્સ અને ગુપ્તાંગ પર વાળ આવવા અને માસિક આવવું) સમય કરતા વહેલા આવે છે. હાલના દિવસોમાં આ સામાન્ય બની ગયું છે.

ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજિકલ સોસાયટીઝ ઓફ ઈન્ડિયા (એફઓજીએસઆઈ)ના પ્રમુખ ડોકટર શાંતા કુમારીએ જણાવ્યું હતું કે, એન્વાયરોમેન્ટલ અને જીનેટિક ફેકટર્સ, કસરતનો અભાવ, મેદસ્વીતા, જંક ફૂડ આમાં ભાગ ભજવી શકે છે. જોકે, ગાયનેકોલોજિસ્ટ પાસે આવતા કેસની સંખ્યાની તુલનામાં આવા કેસની સંખ્યા ઘણી વધારે છે. જો છોકરી ૮ વર્ષથી નાની વયની હોય તો માતા ચિંતિત બને છે અને તેને ગાયનેકોલોજિસ્ટ પાસે લાવે છે. જો બ્લિડિંગ ડિસઓર્ડર હોય જેમ કે વધારે પડતું બ્લિડિંગ હોય, દુખાવો, એનેમિયા હોય તો બાળકને ડોકટર પાસે લઈ જવામાં આવે છે.

વહેલી તરુણાવસ્થાની માનસિક અસરો પણ હોય છે. ડોકટર શિવરંજનીએ જણાવ્યું હતું કે, આવી છોકરીઓને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે તેમની શારીરિક અને માનસિક પરિપકવતા વચ્ચે ઘણું અંતર હોય છે. દ્યણી છોકરીઓમાં માસિક નાની ઉંમરે આવી જાય છે. જેના કારણે તેની ઊંચાઈ પર પણ અસર પડે છે.

(9:56 am IST)