Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

માસ્‍ક પહેરો-સતર્ક રહો-સ્‍વદેશી વસ્‍તુઓ અપનાવોઃ વડાપ્રધાન મોદી

૧૦૦ કરોડ વેકસીન ડોઝ એક આંકડો નહિ નવા અધ્‍યાયનો પ્રારંભ છેઃ કવચ ગમે તેટલુ ઉત્તમ કેમ ન હોય, યુદ્ધમાં હથિયારો હેઠા મુકવામાં આવતા નથી : કોરોનાની વેકસીનેશન પર વીઆઈપી કલ્‍ચર આવવા ન દીધું: માસ્‍કને રોજીંદો સ્‍વભાવ બનાવી દોઃ તહેવારોમાં ભારતીયોએ બનાવેલી વસ્‍તુઓ ખરીદવા લોકોને આગ્રહઃ વોકલ ફોર લોકલ અને મેઈડ ઈન ઈન્‍ડીયા અપનાવવા અનુરોધ

નવી દિલ્‍હી, તા. ૨૨ : વડાપ્રધાન મોદીએ આજે સવારે રાષ્‍ટ્રજોગ પ્રવચન કર્યુ હતુ જેમાં તેમણે આગામી તહેવારો દરમિયાન કોરોનાથી સતર્ક રહેવા અપીલ કરી હતી એટલુ જ નહિ સ્‍વદેશી વસ્‍તુઓ ખરીદવા હાકલ પણ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે આપણે નાનામાં નાની વસ્‍તુ કે જે મેઈડ ઈન ઈન્‍ડીયા હોય, જેને બનાવવામાં કોઈ ભારતવાસીનો પરસેવો પડયો હોય તે ખરીદવા ભાર મુકવો જોઈએ અને આ સૌના પ્રયાસથી સંભવ બનશે. જેમ કે સ્‍વચ્‍છ ભારત અભિયાન એક જન આંદોલન છે એમ જ ભારતમાં બનેલી ચીજવસ્‍તુ ખરીદવી, ભારતીયો દ્વારા બનાવવામાં આવેલ ચીજવસ્‍તુ ખરીદવી, વોકલ પર લોકલ એ આપણે વ્‍યવહારમાં લાવવા જ પડશે.
ભારતે ગઈકાલે ૧૦૦ કરોડ લોકોને વેકસીન આપવાની સિદ્ધિ હાંસલ કરી તેના અનુસંધાને આજે તેમણે કરેલા રાષ્‍ટ્રજોગ પ્રવચનમાં કહ્યુ હતુ કે, ૧૦૦ કરોડ વેકસીનનો ડોઝ એ એક આંકડો જ નથી પરંતુ એક નવા અધ્‍યાયનો પ્રારંભ છે. આ ઉપલબ્‍ધી સમગ્ર ભારત અને તેના નાગરીકોની છે. આપણી પાસે હવે ૧૦૦ કરોડ વેકસીન ડોઝનું મજબૂત સુરક્ષા કવચ છે.
વડાપ્રધાને કહ્યુ હતુ કે વેકસીનેશન કલ્‍ચર પર વીઆઈપી કલ્‍ચર હાવી ન બને તે સુનિヘતિ કરવામાં આવ્‍યુ હતું. જે લોકો ભારત સામે સવાલ ઉઠાવતા હતા તેઓને ભારતે જડબાતોડ જવાબ આપ્‍યો હતો. આજે ભારત ફાર્મા હબ તરીકે દુનિયાભરમાં પોતાની તાકાત દર્શાવી રહ્યુ છે. ભારતનું વેકસીનેશન અભિયાન સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ એ ઉદાહરણ છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં દેશવાસીઓને વેકસીનેશન મામલે અભિનંદન આપ્‍યા હતા.
વડાપ્રધાન કહ્યુ હતુ કે તહેવારો આવી રહ્યા છે. કોરોના હજુ ગયો નથી તેથી આપણે સૌએ સતર્ક રહેવાની જરૂર છે. જરા પણ લાપરવાહી રાખવાની જરૂર નથી. માસ્‍ક પણ પહેરવુ જરૂરી છે. જેમ આપણે ચપ્‍પલ અને બૂટ પહેરીને બહાર નિકળીએ છીએ તેમ માસ્‍કને પણ સતત સ્‍વભાવ બનાવવો પડશે. જે લોકોને વેકસીન નથી લાગી તેમનાથી સતર્કતા રાખવી પડશે. જે લોકોએ રસી લીધી છે તેઓએ બીજાને લેવા પ્રેરણા આપવી જોઈએ.
 

(11:28 am IST)