Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

૫૫૦૦ જિલેટિન સ્ટિક અને ૨૩૦૦ ડિટોનેટર પકડાયા

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ વણથંભી હિંસા : હાઈવે પર વાહનોનુ ચેકિંગ કરાતા વિસ્ફોટકોનો જથ્થો મળ્યો, ટ્રક ચાલક અને ક્લીનર પોલીસને જોઈને ફરાર

કોલકાતા, તા.૨૧ : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ વણથંભી રાજકીય હિંસા વચ્ચે આજે બીરભૂમ જિલ્લામાંથી વિસ્ફોટકો ભરેલી ટ્રક પકડાતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.

પોલીસને ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી ૫૫૦૦ જિલેટિન સ્ટિક અને ૨૩૦૦ ડિટોનેટર મળી આવ્યા હતા. પોલીસે હવે આટલા મોટા પાયે વિસ્ફોટકો ક્યાં લઈ જવાઈ રહ્યા હતા તેની તપાસ શરૂ કરી છે. આ મામલામાં કોઈ કાવતરૂ રચાયુ છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે બુધવારની રાતે પોલીસને આ અંગે મળેલી બાતમી બાદ હાઈવે પર વાહનોનુ ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ અને એક ટ્રકમાં પોલીસે જોયુ હતુ કે, વિસ્ફટકોથી ટ્રક ભરેલુ છે.

બીજી તરફ ટ્રક ચાલક અને ક્લીનર પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા.

આ પહેલા પણ બીરભૂમ જિલ્લામાંથી ચૂંટણી પહેલા એક થી વધારે વખત વિસ્ફટકો પકડાયેલા છે.

રાજ્યમાં ૩૦ ઓક્ટોબરથી ૪ ઓક્ટોબર વચ્ચે ચાર બેઠકોની પેટા ચૂંટણી પણ થવાની છે.

દરમિયાન આ વાતની જાણકારી મળ્યા બાદ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

(12:00 am IST)