Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

દાદરા નગર હવેલીમાં ભાજપને જીતાડવા તન મન અને ધનથી પ્રયાસ કરશું :લોજપા

લોક જનશક્તિ પાર્ટીએ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને સમર્થન જાહેર કર્યું

નવી દિલ્હી :  સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે પુરજોશમાં પ્રચાર ઝુંબેશ ચાલી રહ્યો છે, રાજકીય પાર્ટીઓ જીત માટે અવનવા દાવપેચ અજમાવી રહી છે. ત્યારે દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં દાદરા નગર હવેલી લોક જનશક્તિ પાર્ટી(LJP)એ ભાજપના ઉમેદવાર મહેશ ગાવીતને સમર્થન જાહેર કર્યું છે. આજે સેલવાસમાં લોક જનશક્તિ પાર્ટી અને ભાજપના અગ્રણીઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં લોક જનશક્તિ પાર્ટીએ આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને સમર્થન જાહેર કર્યું હતું.

 લોક જનશક્તિ પાર્ટી પણ આ વખતે પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભો રાખી અને ચૂંટણી લડવા ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવારનું ફોર્મ  ટેક્નિકલ કારણોસર ફોર્મ રદ થતાં. આખરે લોક જનશક્તિ પાર્ટી ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરી આ ચૂંટણી પૂરતું ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. આમ હવે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે લોક જનશક્તિ પાર્ટીના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પર પ્રચાર ઝુંબેશમાં જોડાશે. દાદરાનગર હવેલીના સંપૂર્ણ વિકાસ માટે લોક જનશક્તિ પાર્ટીએ ભાજપને સમર્થન જાહેર કર્યું હોવાનું, પ્રદેશ પ્રમુખ રાજન સોલંકીએ જણાવ્યું હતું
ભાજપ માટે પણ  ઉમેદવાર નક્કી કરવું એક પડકાર હતો ત્યારે અંતે છેલ્લી ઘડી એ ભાજપે મહેશ ગાવિતને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. મહેશ ગાવિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મહારાષ્ટ્રની હદ પર આવેલા સૌથી છેલ્લા ગામ કૌચા ગામના છે. 44 વર્ષીય મહેશ ગાવીત બી.એ. ફર્સ્ટ ક્લાસ પાસ છે. તેઓએ 14 વર્ષ સુધી ઇન્ડિયન રિઝર્વ પોલીસ ફોર્સમાં ઇન્સ્પેક્ટર તરીકે સેવા બજાવી હતી. જો કે વર્ષ 2014માં તેમણે પોલીસની નોકરી છોડી અને રાજકીય સફરની શરૂઆત કરી હતી. આથી તેઓ પાંચ વર્ષ સુધી દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવી હતી. આમ ભાજપે આ વખતે પેટા ચૂંટણીમાં શિક્ષિત અને યુવા ચહેરા તરીકે મહેશ ગાવીતને ટિકિટ આપી અને ચૂંટણી જંગમાં ઉતારતા હવે સત્તાનો સંગ્રામ રસપ્રદ બન્યો છે.

ડેલકર પરિવાર દ્વારા ચૂંટણી ને લઈને તૈયારીઓ પહેલે થી જ કરી દેવામાં આવી હતી. અગાઉ મોહન ડેલકર ના પુત્ર અભિનવ ડેલકર આ ચૂંટણી લડશે તેવી  માહિતી બહાર આવી હતી. જોકે અંતિમ દિવસે ડેલકર પરિવારે અપક્ષ ચૂંટણી લડવાને બદલે શિવસેનાનો સાથ લીધો છે. ડેલકર પરિવારને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનામાં આવકાર્યા હતા. જેથી ડેલકર પરિવારે અભિનવને બદલે અંતિમ ઘડીએ મોહનભાઈના પત્ની કલાબેન ડેલકરને ચૂંટણી જંગમાં ઉતારતા રાજકારણમાં ભૂકંપ સર્જ્યો હતો. શિવસેનાના જોડાઈને સાંસદ મોહન ડેલકરના ધર્મપત્ની કલાબેન ડેલકર દ્વારા શિવસેનાના નેજા હેઠળ ઉમેદવારી નોંધાવી હતી અને પુત્ર અભિનવ ડેલકર દ્વારા ડમી ફોર્મ ભરવામાં આવ્યું હતું.

(12:00 am IST)