Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

પાકિસ્તાની ચલણની વેલ્યુ ઓલટાઈમ લો લેવલે : એક પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય 0.0058 ડોલર સુધી ગગડ્યું

પાકિસ્તાની રૂપિયો અત્યારે અમેરિકી ડોલર સામે 173.58 પર ટ્રેડ કરી રહ્યો છે

નવી દિલ્હી : પાકિસ્તાનની સ્થિતિ સતત બગડી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ગમે તેટલા દાવા કરે પણ તેમનો તેમનો દેશ દરેક બાબતમાં પાછળ છે. વિદેશી સંસ્થાઓ દ્વારા લોન પર પ્રતિબંધના કારણે પાકિસ્તાન મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાની ચલણની વેલ્યુ લગભગ ખતમ થવાના આરે છે. અમેરિકી ડોલર સામે પાકિસ્તાની રૂપિયો ઓલટાઇમ લો લેવલ પર પહોંચી ગયો છે.

અમેરિકી ડોલર સામે પાકિસ્તાની ચલણનું મૂલ્ય માત્ર 0.0058 ડોલર છે. એટલે કે, પાકિસ્તાની રૂપિયો અત્યારે અમેરિકી ડોલર સામે 173.58 પર ટ્રેડ કરી રહ્યો છે. આ ઘટાડો લાંબા સમયથી ચાલી રહ્યો છે. આ અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર કહેવાય છે. જો તમે પાકિસ્તાની રૂપિયાની તુલના ભારત સાથે કરો તો ભારતીય ચલણ બજારમાં તેની કિંમત ભારતીય રૂપિયા સામે માત્ર 0.43 પાકિસ્તાની રૂપિયાની આસપાસ છે.પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન (SBP) એ દેશના વિનિમય દર પરના દબાણને હળવું કરવા માટે અનેક પગલાં શરૂ કર્યા હતા. આ પછી પણ પાકિસ્તાની ચલણનું અવમૂલ્યન સુધર્યું નથી. દેશની આર્થિક કટોકટીને જોતા ડોલરની માંગ પણ વધી રહી છે જેના કારણે પાકિસ્તાની ચલણ સામે ડોલર મજબૂત થઈ રહ્યો છે.
પાકિસ્તાન દરેક મોરચે નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. આ દિવસોમાં દેશ પણ મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. પાકિસ્તાનને તેની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટા પ્રમાણમાં વિદેશી ભંડોળની જરૂર છે. પાકિસ્તાનને આગામી બે વર્ષ માટે 51.6 અબજ ડોલર અથવા લગભગ 3,843 કરોડ રૂપિયાની મદદની જરૂર છે.
બગડતા હાલતનો ખુલાસો કરતા પાકિસ્તાનના એક સ્થાનિક અખબાર ધ ન્યૂઝ ઇન્ટરનેશનલ દ્વારા દાવો થયો છે કે પાકિસ્તાનની એકંદર બાહ્ય ધિરાણ માંગ 2021-22માં 23.6 અબજ ડોલર અથવા લગભગ 1,764 કરોડ રૂપિયા અને 2022-23માં 28 અબજ ડોલર રહેશે.વિદેશમાં આર્થિક મદદ પર પ્રતિબંધ બાદ પાકિસ્તાનમાં આ આર્થિક સંકટ ઉભું થયું છે. વર્લ્ડ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેન્કે પાકિસ્તાનમાં અનેક મોટી યોજનાઓને મળતી નાણાકીય સહાય બંધ કરી દીધી છે.
વિશ્વ બેંકે તાજેતરમાં એક અહેવાલમાં ઉલ્લેખ કર્યો હતો કે પાકિસ્તાન સૌથી વધુ વિદેશી દેવું ધરાવતા ટોપ ટેન દેશોની યાદીમાં સામેલ થયું છે

(12:00 am IST)