Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

જયપુરમા IPL સટ્ટાનો પર્દાફાશ :4,19 કરોડની રોકડ જપ્ત : દુબઈથી ચાલતું હતું નેટવર્ક :રાજકોટનું કનેક્શન ખુલ્યું :ચાર શખ્શોની ધરપકડ

ફોન પર 30 વોટસએપ ગ્રુપ બનાવી આ ગ્રુપ રાજસ્થાનના મોટા દેવી-દેવતાઓ અને જયપુરના મોટા મંદિરોના નામે હતા. કોર્ડવર્ડ મારફતે જયપુરમાં સટ્ટાની લાઇન આપી હતી.

રાજકોટઃ જયપુર પોલીસે મોટા આઇપીએલ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે, પોલીસે  4.19 કરોડની જંગી રોકડ રકમ જપ્ત કરી છે. જે અત્યાર સુધીના સટ્ટાના ઇતિહાસમાં પકડાયેલી સૌથી મોટી રકમ હોવાનો દાવો કરાયો છે.આ સટ્ટા કૌભાંડની પાછળ ગુજરાતનો વગદાર સટ્ટાબાજ નું નામ ખુલ્યું છે,તે દુબઇમાં બેસી જયપુરમાં ભગવાનના નામે સટ્ટો ચલાવી રહ્યો છે.

જયપુરના જુના શહેર કિશનપોલ બજારમાં પોલીસે ગુરુવારે દરોડો પાડ્યો હતો. જેમાં 4 સટોડિયા સાથે 4.19 કરોડ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ સટોડિયા ભગવાનના નામે આઇપીએલ સટ્ટો ચલાવી રહ્યા હતા. તેમની પાસેથી નોટ ગણવાની બે મશીન પણ જપ્ત લેવાઇ છે.દરોડામાં 9 મોબાઇલ ફોન પણ કબજે લેવાયા છે. આ ફોન પર તેમણે 30 વોટસએપ ગ્રુપ બનાવી રાખ્યા હતા. આ ગ્રુપ રાજસ્થાનના મોટા દેવી-દેવતાઓ અને જયપુરના મોટા મંદિરોના નામે હતા. કોર્ડવર્ડ મારફતે જયપુરમાં સટ્ટાની લાઇન આપી હતી.

મેચ પુરી થયા બાદ સટ્ટાબાજોએ જે રકમ જીતી હતી તેમને આપવા માટેની રકમ અહીં મુકાયેલી હતી. તેની ડિલીવરી પણ અહીંથી થવાની હતા. પકડાયેલા આરોપીમાં રાજકોટના રણધીર સિંહ, અજમેરના કૃપાલ સિંબ ઝુંઝનુના ઇશ્વર સિંહ અને જયપુરના ટોડરમલ રાઠોરનો સમાવેશ થાય છે.જયપુર પોલીસ કમિશનરેટના SP મેઘચંદ મીણાએ જણાવ્યું કે દુબઇમાં બેસી બુકીઓ સટ્ટાનું કૌભાંડ વોટ્સએપ પર ચલાવી રહ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે સટ્ટાબાજીનો માસ્ટર માઇન્ડ  દુબઇમાં બેસી સમગ્ર દેશમાં આઇપીએલનો સટ્ટો ચલાવી રહ્યો છે. તેણે ડાયમંડ એક્સચેન્જ વેબસાઇટના નામે પોતાનું ગ્રુપ બનાવી રાખ્યું છે. જેમાં આઇડી પાસવર્ડ દ્વારા સટ્ટો રમાય છે.પકડાયેલા આરોપીઓ તેની પાસેથી જ લાઇન લઇ પોતાના સંબંધીઓને પાસવર્ડ અને કોડ આપતા હતા. અત્યારે આ ગ્રુપનું કનેક્શન ગુજરાત અને રાજસ્થાન પુરતુ ખુલ્યું છે. પરંતુ તેનો વ્યાપ સમગ્ર દેશમાં હોવાની આશંકા છે. તેથી આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય સટ્ટા કૌભાંડને પર્દાફાશ થઇ શકે છે

(8:06 pm IST)