Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આંતરરાષ્ટ્રીય પ્રેસ સંસ્થાએ પત્ર પાઠવ્યોઃ પત્રકારો સામેના કેસ પરત ખેંચવા રજુઆત

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય પ્રેસ સંસ્થા ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટિટ્યુટ અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર લખીને આગ્રહ કર્યો છે કે તે પત્રકારો સામે કરવામાં આવતી કાયદાકીય કાર્યવાહીઓને રોકે.

બંને સંસ્થાઓએ તેમના પત્રમાં લખ્યુ છે કે વડાપ્રધાન મોદી  રાજ્ય સરકારોને પત્ર લખીને તેમની સામે નોંધાયેલા કેસ પરત ખેંચવાના આદેશ આપે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં પત્રકારો પર પોતાનું કામ કરવા બદલ આઇપીસીની જોગવાઈ 124 હેઠળ રાજદ્રોહ સુધીના કેસ કરવામાં આવ્યા છે, જે પરત ખેંચવા જોઈએ.

પત્રમાં કેરળના પત્રકાર સિદ્દિકી કપ્પનની  ધરપકડ અંગે ખાસ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેઓ હાથરસ કેસમાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા. તે સમયે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પત્ર મુજબ કોરોનાનો ફેલાવો વધવાની સાથે પત્રકારો સામે કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

પત્રમાં એક રિપોર્ટને ટાંકીને કહેવાયું છે કે 25 માર્ચથી 31 માર્ચની વચ્ચે કોરોનાનું કવરેજ કરનારા 55 પત્રકારોને ટાર્ગેટ કરીને જુદી-જુદી રાજ્ય સરકારોએ તેના પર કેસ કર્યો છે. તેમણે લખ્યું હતું કે આરોગ્યલક્ષી સંકટનો ઉપયોગ તે લોકોને ચૂપ કરાવવા માટે કરવામાં આવી રહ્યો છે જેમણે રોગચાળાને પ્રતિસાદ આપવામાં સરકારની ખામીઓ પર પ્રકાશ પાડ્યો છે. લોકશાહીનો અર્થ છે કે તેમા મીડિયા સ્વતંત્ર હોય.

(6:13 pm IST)