Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

1986માં ભાજપના કાર્યકર તરીકે રાજનીતિમાં પ્રવેશ કરનાર અમિતભાઇ શાહ નરેન્‍દ્રભાઇ મોદી સાથે એક જ મુલાકાત બાદ સતત આગળ વધતા રહ્યાઃ રાજકીય કારકિર્દીમાં એકપણ ચૂંટણી હાર્યા નથી

નવી દિલ્હીઃ 22મી ઓક્ટોબરના રોજ 56 વર્ષ પૂરા કરનારા અમિત શાહે 1982માં  કોલેજના વિદ્યાર્થી તરીકે હાલના વડાપ્રધાન અને તે સમયે સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ત્યારે તેમને ખબર જ ન હતી કે તેના લીધે જીવનની દિશા બદલાઈ જશે.

તે સમયે કોલેજનો અભ્યાસ પૂરો કરીને કુટુંબનો પ્લાસ્ટિક પાઇપનો વ્યવસાય સંભાળવા સુધીનું વિચારનારા અમિત શાહના જીવનમાં આ મુલાકાતે મહત્ત્વનો ફેરફાર આણ્યો. આ મુલાકાતની અસર હેઠળ જ તેઓએ અભ્યાસ પૂરો કરી કૌટુંબિક વ્યવસાય સંભાળવાની સાથે-સાથે 1986માં ભાજપમાં કાર્યકર તરીકે રાજનીતિમાં પ્રવેશ કર્યો.

મોદીએ સોંપેલી બધી જવાબદારી અમિત શાહે સફળતાપૂર્વક સંભાળી

1990ના દાયકામાં જ્યારે લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રામાં નરેન્દ્ર મોદીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તે સમયે અમિત શાહ મોદીએ તેમને સોંપેલી જવાબદારી નીભાવવામાં સફળ રહ્યા હતા. તેના પછી 1991માં ગાંધીનગરમાંથી લાલકૃષ્ણ અડવાણીએ ઉમેદવારીપત્રક ભર્યુ હતુ તે સમયે તેમના પ્રચારની જવાબદારી અમિત શાહે સંભાળી હતી. તેના પછી 1996માં અટલબિહારી વાજપેયી ગુજરાતમાંથી ચૂંટણી લડ્યા તો તેમના ચૂંટણી પ્રચારની જવાબદારી પણ અમિત શાહે જ સંભાળી હતી.

ગુજરાતમાં ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળ્યો

અમિત શાહે 1997માં ગુજરાત વિધાનસભાની સરખેજ બેઠકની પેટાચૂંટણી જીતીને પોતાની રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1999માં તે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક (એડીસીબી)ના પ્રમુખ બન્યા હતા. 2009માં તે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના વડા બન્યા હતા.

તેના પછી તેમણે 2003થી 2010 સુધી ગુજરાત સરકારની કેબિનેટમાં ગૃહ મંત્રાલય સંભાળ્યો. 2012માં નારણપુરાથી વિધાનસભા ચૂંટણી લડ્યા તે પહેલા ત્રણ વખત સરખેજ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કર્યુ. અમિત શાહ પોતાની રાજકીય કારકિર્દીમાં એકપણ ચૂંટણી હાર્યા નથી.

શાહના નેજા હેઠળ ઉત્તરપ્રદેશમાં ભાજપનો સર્વશ્રેષ્ઠ દેખાવ

16મી લોકસભા ચૂંટણીના લગભગ દસ મહિના પહેલા અમિત શાહને જ્યારે 12 જૂન 2013ના રોજ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ઉત્તરપ્રદેશ એકમના વડા બનાવાયા ત્યારે તેમની ઉત્તરપ્રદેશમાં ફક્ત દસ લોકસભા બેઠક જ હતી. તેના પછી 16 મે 2014ના રોજ સોળમી લોકસભાના ચૂંટણી પરિણામ આવ્યા તેમા ભાજપે ઉત્તરપ્રદેશમાં 71 બેઠક મેળવી હતી.

ઉત્તરપ્રદેશમાં ભાજપનો આ અત્યાર સુધીનો સૌથી મોટો વિજય હતો. તેના પછી અમિત શાહને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પ્રમુખ બનાવવામાં આવ્યા. અમિત શાહ 2019માં ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી જીતી સંસદમાં પહોંચ્યા. 2019માં બીજી વખત કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતી સાથે ભાજપે પોતાની સરકાર બનાવ્યા પછી અમિત શાહે 30મે 2019ના રોજ ગૃહપ્રધાન તરીકે શપથ લીધા.

(5:20 pm IST)