Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

લાલ લીટીવાળી દવા ડોક્‍ટરને પૂછ્‍યા વગર સેવન ન કરવી

નવી દિલ્હી: એવું કહેવાય છે કે ડોક્ટરની સલાહ વગર દવા લેવી જોઈએ નહીં. જો તમે બીમાર હોવ કે પછી તમને સ્વાસ્થ્ય સંબંધે કોઈ સમસ્યા હોય તો તરત ડોક્ટરને દેખાડો અને તેમણે જણાવેલી દવાનું સેવન કરો. આમ છતાં કોઈ ચેતવણી માન્યા વગર દર્દીઓ કે તેમના પરિજનો ટીવી કે સોશિયલ મીડિયામાં જાહેરાતો જોઈને ડોક્ટરની સલાહ વગર ગમે તે દવા લઈ લે છે જેના આગળ જઈને ઘાતક પરિણામો આવી શકે છે. લોકોની આ આદત જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના ટ્વીટર હેન્ડલથી એક પોસ્ટ કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ દવાઓ ડોક્ટરની સલાહ વગર લેવી જોઈએ નહીં.

આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે જવાબદાર બનો અને ડોક્ટરની સલાહ વગર લાલ સ્ટ્રીપવાળી કોઈ પણ દવાના પત્તાની ટેબલેટનું સેવન ન કરો. તમે જવાબદાર તો દવા અસરદાર.

પોસ્ટ સાથે શેર કરાયેલી તસવીરમાં લખ્યું છે કે શું તમે જાણો છો? જે દવાના પત્તાઓ પર લાલ લીટી હોય છે જેને ડોક્ટરની સલાહ વગર ક્યારેય લેવી જોઈએ નહીં. કેટલીક દવાઓ જેમ કે એન્ટીબાયોટિક્સના પત્તા પર એક લાલ ઊભી લીટી હોય છે. તેનો અર્થ એવો થાય છે કે આ દવાઓ ફક્ત ડોક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ. હંમેશા ડોક્ટર દ્વારા બતાવવામાં આવેલી દવાઓનો પૂરો કોર્સ કરો.

અત્રે જણાવવાનું કે લાલ લીટીવાળી દવાઓ મેડિકલ સ્ટોરવાળા પણ ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર વેચી શકતા નથી. તો પછી હવેથી લાલ લીટીવાળી દવાઓ ડોક્ટરની સલાહ વગર લેતા નહીં. બીજાની વાતમાં આવીને દવા લેવી નહીં. આ જાણકારી અંગે વધુમાં વધુ લોકોને જાગૃત કરવા જોઈએ.

(5:19 pm IST)