Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

અમેરિકા / ટ્રમ્પ ૨૪મી ઓકટોબરના રોજ વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવશે, રાષ્ટ્રપતિ તરીકે તેમની આ ત્રીજી દિવાળી

ભારતમાં દિવાળી ૨૭મી ઓકટોબરના રોજ મનાવવામાં આવશે

વોશિંગ્ટન, તા.૨૨: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષ ૨૪મી ઓકટોબરના રોજ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરશે. રાષ્ટ્રપતિ તરીકે તેમની આ ત્રીજી દિવાળી હશે. માહિતી પ્રમાણે ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં દિપ પ્રાગટ્ય કરી સત્તાવાર રીતે આ ઉજવણીની શરૂઆત કરશે. ભારતમાં દિવાળી ૨૭મી ઓકટોબરના રોજ મનાવવામાં આવશે.

ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ વર્ષ ૨૦૦૯ માં વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવવાની શરૂઆત કરી હતી. ટ્રમ્પે પણ ચૂંટણી જીત્યા બાદ આ પરંપરાને જાળવી રાખી હતી. વર્ષ ૨૦૧૭માં તેમણે ઓવલ ઓફિસ (અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય) માં ભારતીય-અમેરિકી સમુદાય તથા પ્રશાસનના કેટલાક અધિકારીઓ સાથે દિપ પ્રાગટ્યથી દિવાળીની ઉજવણી કરી હતી. ગત વર્ષ તેમણે ભારતીય રાજૂત નવતેજ સરનાને દિવાળીની ઉજવણી માટે વ્હાઈટ હાઉસના રુજવેલ્ટ રુમમાં બોલાવવામાં આવ્યા હતા.

અમેરિકામાં દિવાળીથી એક સપ્તાહ અગાઉ નેતાઓ અને અધિકારીઓએ તેમની ઉજવણી મનાવવાની શરૂઆત કરી દીધી છે. ટેકસાસના ગવર્નર ગ્રેગ અર્બેટે ગત શનિવારે ભારતીય-અમેરિકી સમુદાયને દિવાળીની ઉજવણી માટે બોલાવ્યા છે. અબોર્ટે એક ટવીટમાં કહ્યું હતું કે મે ગવર્નરના બંગલા પર દિપ પ્રાગટ્ય કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ટેકસાસની યાત્રા અંગે ચર્ચા કરી હતી. અમે અસત્ય પર સત્યની જીતના તહેવારની ઉજવણી કરી. આ ઉપરાંત ટેકસાસથી રિપબ્લિકન સાંસદ પીટ ઓલ્સને લખ્યું હતું કે આ વર્ષ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં અમે દિવાળી ઉજવણી કરશું.

ગત વર્ષ ટ્રમ્પે દિવાળીની ઉજવણી કરવાની સાથે કહ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દ્યણું સન્માન કરે છે. ટ્રમ્પે ટૂંક સમયમાં મળવાની ઈચ્છા વ્યકત કરી હતી. જોકે, દિવાળીને લઈ ટવીટને લઈ વિવાદ થયો હતો. તેમણે લખ્યું હતું- આપણે અહીં દિવાળીની ઉજવણી માટે એકત્રિત થયા છીએ. સમગ્ર અમેરિકા અને વિશ્વભરમાં બૌદ્ઘ, શીખ અને જૈન સમુદાયના લોકો રજા માણી રહ્યા છે. તેમણે હિન્દુઓનો ઉલ્લેખ નહીં કરવાને લઈ ટવીટર પર લોકોએ ટ્રમ્પની ટીકા કરી હતી.

(3:30 pm IST)