Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ટુંક સમયમાં નક્કી થશે પોલીસના કામના કલાકો

૯૦ ટકા પોલીસ રોજ ૧૨ કલાક કરે છે કામ

નવી દિલ્હી તા ૨૨  : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોલીસ કર્મચારીઓને તબક્કાવાર રીતે કામકાજમાં સારૂ વાતાવરણ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપતા કહયું છે કે, ટુંક સમયમાં તેમના કામના કલાકો નક્કી થઇ જશે. તમણે કહયું કે તેમને સાપ્તાહીક રજા મળે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. અમિત શાહ ગઇકાલે પોલિસ સ્મૃતિ દિવસ પર અર્ધ સૈનિક દળો અને પોલિસ કર્મચારીઓને સંબોધિત કરી રહયા હતા.

તેમણે પોલિસ કર્મચારીઓ પર હાલના વધુ પડતા કામના બોજને ઓછો કરવાની જરૂરિયાત પર ભાર મુકતા કહયું કે ભારતને મહાશકિતના મુકામ સુધી પહોંચાડવામાં પોલિસ કર્મચારીઓનું મહત્વનું યોગદાન છે, તેમણે કહયું કે અત્યારે એક લાખની વસ્તીએ ૧૪૪ પોલીસ કર્મચારીઓ કામ કરી રહયા છે. જે ખરેખર ૨૨૨ હોવા જોઇએ. આના લીધે ૯૦ ટકા પોલિસોને રોજ ૧૨ કલાકથી વધારે કામ કરવું પડે છે. બે તૃત્યાંશ પોલીસ કર્મચારીઓને સાપ્તાહિક રજા પણ નથી મળતી. સરકાર તેમની આ મુશ્કેલીઓ દુર કરવાના પ્રયત્નો કરી રહી છે.

આંતરીક સુરક્ષામાં પોલીસ કર્મચારીઓના યોગદાનની વાત કરતા શાહે કહયું કે, આઝાદી મળી ત્યારથી અત્યાર સુધીમાં ૩૫ હજારથી વધારે પોલીસો શહીદ થયા છે. સામાન્ય રીતે પોલીસનું કામ બીજા સરકારી કર્મચારીઓ જેવું દેખાય છે, પણ તેવું ખરેખર છે નહીં. સરહદની સુરક્ષા હોય કે રોડ પર ટ્રાફીકનું નિયમન, ડ્રગ્સનો ધંધો હોય કે હવાલાનો કારોબાર, આ બધાને રોકવાની જવાબદારી પોલિસના ખંભા પર જ હોય છે. એટલું જ નહીં, દેશમાં સાંપ્રદાયિક દંગા રોકવા, પુર્વતરના ઉગ્રવાદ અને નક્ષલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ અને વિકાસમાં પણ પોલિસ અને અર્ધ સૈનિક દળો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

(12:58 pm IST)