Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પાકિસ્તાન ફફડી ઉઠયું

સરહદે તોપો ગોઠવીઃ સૈનિકોની સંખ્યા વધારી

રાજૌરી તા. રર :.. કાશ્મીરના ઉરી સેકટરમાં ભારતીય સૈન્યની જવાબી કાર્યવાહીમાં પછડાટ ખાધા પછી પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું. રવિવારે  સાંજથી જ ભલે પાકિસ્તાની સૈન્યએ પોતાની બંદુકો શાંત કરી હોય પણ સુત્રો જણાવે છે કે પાકિસ્તાની સૈન્યએ પોતાની તોપોને એલઓસી નજીક તહેનાત કરવાનું કામ ચાલુ કરી દીધું છે. ટેંકોને પણ સરહદ તરફ આગળ વધારાઇ રહી છે.

એટલું જ નહીં, ગઇકાલે જ તેણે એલઓસી પર પોતાના જવાનોની સંખ્યા પણ વધારી દીધી છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહી પછી પાક સેના અને ગુપ્તચર એજન્સીમાં રઘવાટ સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો છે. એટલે તે કોઇ મોટી નાપાક હરકત કરવાની તૈયારીમાં લાગી ગયા છે. સુત્રોનું કહેવું છે કે પાક સેના સૈનિક છાવણી ઉપરાંત નાગરિક ક્ષેત્રને નિશાન બનાવીને તોપમારો કરી શકે છે. સુત્રો અનુસાર, પાક સેનાના ઉચ્ચ અધિકારીઓ અને આઇએસઆઇના અધિકારીઓએ એલઓસીની મુલાકાત લીધી છે.

આ અધિકારીઓએ એલઓસી પર તહેનાત જવાનો અને અધિકારીઓ સાથે બહુ લાંબી ચર્ચાઓ કરી અને ઘણા દિશા નિર્દેશો આપ્યા હતાં. પાક સેનાની હિલચાલના કેટલાય સંદેશ પણ ભારતીય ગુપ્તચર એજન્સીએ આંતર્યા છે, જેમાં કોઇ મોટા હુમલાનો ઉલ્લેખ કરાયો છે.

(11:27 am IST)