Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કલ્કિ ભગવાનના પુત્રને ત્યાં IT વિભાગના દરોડા : 44 કરોડ રોકડ અને 90 કિલો સોનું જપ્ત કરાયું

વ્હાઈટ લોટસ કંપનીની મિલકતો પણ જપ્ત કરાઈ

 

નવી દિલ્હી : ભગવાન કલ્કિ તરીકે ઓળખાતા આધ્યાત્મિક ગુરૂનાં પુત્રની ઓફિસો અને નિવાસ સ્થાન સહિત પાંચ સ્થળે આઈટી અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 44 કરોડની રોકડ મળી આવી હતી. જેમાં 20 કરોડની કિંમતનાં ડૉલર અને 90 કિલો સોનું જપ્ત કરાયા હતા. ભગવાન કલ્કીનાં પુત્રની માલિકીની વ્હાઈટ લોટસ કંપનીની મિલકતો પણ જપ્ત કરાઈ હતી. આઈટી દ્વારા ચેન્નઈ, હૈદરાબાદ, બેંગ્લુરૂ, ચિત્તુર અને કુપ્પમ ખાતે સર્ચ અને જપ્તીની કામગીરી હાથ ધરાઈ હતી.

આધ્યાત્મિક ગુરૂએ પોતે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર હોવાનો દાવો કર્યો હતો. તેમણે ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થા વનનેસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ભગવાન કલ્કીનું અસલ નામ વિજય કુમાર નાયડુ છે. તેમણે કરિયરની શરૂઆત 1971માં એલઆઈસીમાં ક્લાર્ક તરીકે કરી હતી. 1980માં તેઓ જે.કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનમાં જોડાયા હતા અને પછી પોતાનું ટ્રસ્ટ બનાવ્યું હતું.

(12:28 am IST)