Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સૌનો સાથ, સૌનો વિકાસ માટે ટેકનોલોજી જરૂરી બની : વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી

મોદી દ્વારા બ્રિજિટલ નેશન પુસ્તકનું લોકાર્પણ કરાયું : ટેકનોલોજીએ તમામ પડકારને તકમાં પરિવર્તિત કરી છે ટપાલીઓ પણ હવે બેંક બાબુ બન્યા : મોદીનો અભિપ્રાય

અમદાવાદ, તા.૨૧ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજેબ્રિજિટલ નેશનનામનાં પુસ્તકનું લોકાર્પણ કર્યું હતું અને એની પ્રથમ નકલ જાણીતા ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાને અર્પણ કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમ આજે ૭, લોક કલ્યાણ માર્ગ, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. આ પુસ્તક શ્રી એન ચંદ્રશેખરન અને શ્રીમતી રુપા પુરુષોત્તમે લખ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી એ  સૌનો સાથ, સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવા અને હાંસલ કરવા માટે સેતુ રૂપ બની રહેશે. વડાપ્રધાને વિઝનરી બુક લખવા બદલ લેખકોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, તેમના લખાણમાં સકારાત્મકતા અને આશાવાદ છે તથા ટેકનોલોજીનાં મહત્ત્વ વિશે ઊંડી જાણકારી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પુસ્તક એવા સમયે પ્રકાશિત થયું છે,જ્યારે ટેકનોલોજી લાખો ભારતીયોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે. વડાપ્રધાને એ સમજણ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે, ટેકનોલોજી સેતુરૂપ છે, નહીં કે વિભાજનકારક. ટેકનોલોજી આકાંક્ષા અને સફળતા, માગ અને પુરવઠો, સરકાર અને શાસન વચ્ચે સેતુનું નિર્માણ કરે છે, જેથીસૌનો સાથ, સૌનો વિકાસ હાંસલથાય. ઝડપથી વિકસતાં આંકાક્ષી ભારત માટે સકારાત્મકતા, રચનાત્મકતા અને વિધેયાત્મક માનસિકતા આવશ્યકતા છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવીય ઇરાદાઓ વચ્ચે સેતરૂપ બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. છેલ્લાં પાંચ વર્ષની સફર જણાવતાં વડાપ્રધાને રિફોર્મ, ટ્રાન્સફોર્મ અને પર્ફોર્મ (સુધારા, પરિવર્તન અને કામગીરી) કરવા માટે સરકારી યોજનાનાં મુખ્ય ઘટક તરીકે ટેકનોલોજીએ કેવી રીતે કામ કર્યું છે એ વિશે જાણકારી આપી હતી. તેમણે ઉજ્જવલા યોજનામાં ડેટા ઇન્ટેલિજન્સ, ડિજિટલ મેપિંગ અને રિયલ ટાઇમ મોનિટરિંગનાં ઉપયોગનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી લાખો મહિલાઓનાં જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. તેમણે એ વિશે પણ વાત કરી હતી કે, ટેકનોલોજીએ જન ધન યોજના અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ દ્વારા લોકોને સક્ષમ બનાવવામાં કેવી રીતે મદદ કરી છે. સરકારે સરકારી વિભાગોમાં પરંપરાને તોડવામાં ટેકનોલોજી ઉપયોગી થઈ છે અને આ જ ટેકનોલોજીએ ગવર્મેન્ટ ઇ-માર્કેટ પ્લેસ (જીઇએમ) જેવા ઇનોવેટિવ વિચાર દ્વારા પુરવઠા અને માગની વ્યવસ્થા વચ્ચે સેતુ ઊભો કર્યો છે. તેમણે સમજાવ્યું હતું કે, ટેકનોલોજી કેવી રીતે દેશમાં મજબૂત સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં ઉપયોગી થઈ હતી, ખાસ કરીને ટિઅર-૨ અને ટિઅર-૩ શહેરોમાં, જેનાથી સ્ટાર્ટઅપ્સની સંપૂર્ણપણે નવી ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ મળી છે.

ટેકનોલોજીનાં પડકારોને તકોમાં પરિવર્તિત કરવાની જરૂરિયાત પર વાત કરતાં પ્રધાનમંત્રીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનાં સર્જનનું ઉદાહરણ આપ્યું હતું. ટેકનોલોજીએ સંપૂર્ણ પોસ્ટલ સંસ્થામાં પરિવર્તન લાવી દીધું છે અને એને ટેકનોલોજીથી સંચાલિત બેંકિંગ સિસ્ટમ બનાવી દીધી છે, જેથી પોસ્ટલ બેંક દ્વારા લાખો લોકોને ફાયદો થયો છે, જેનાં પરિણામેપોસ્ટમેનહવેબેંક બાબુબની ગયા છે. આ કાર્યક્રમમાં વિવિધ દેશોનાં રાજદૂતો અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતાં, જેમાં અમેરિકા, ગ્રેટ બ્રિટન અને પીપલ્સ રિપબ્લિક ચીનનાં રાજદૂતો સામેલ છે. વળી ભારત સરકારનાં કેટલાંક મંત્રાલયોનાં સચિવો, સીઆઇઆઈ, એફઆઇસીસીઆઈ અને નાસ્કોમ સહિત વિવિધ ઔદ્યોગિક સંગઠનોનાં પ્રતિનિધિઓ, રજત શર્મા, નવિકા કુમાર, રાજકમલ ઝા, સુધીર ચૌધરી, સ્મિતા પ્રકાશ જેવી મીડિયા જગતની હસ્તીઓ તથા ટાટા ગ્રૂપનાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

(9:45 pm IST)