Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

એક એવું મંદિર છે જ્યાં પુરૂષો સાડી પહેરીને દર્શન કરવા જવું પડે છે

સ્ત્રી જેવા કપડાં, જ્વેલરી, ફેસપેક, માથામાં ફૂલ તથા મેકઅપ કરીને એક સ્ત્રીની માફક તૈયાર થાય છે

કોચી તા. ૨૨ : ભારતમાં વિવિધતા માત્ર ધર્મ-સંપ્રદાય કે ખાણી-પીણી પૂરતી જ મર્યાદિત નથી. પરંતુ, પહેરવેશથી લઇને પૂજાના રીત રીવાજ સુધી એક જુદાપણું જોવા મળે છે. જો કોઈ પુરુષો પોતાની મર્દાનગી પર ગર્વ કરતા હોય અને કયારેય  સ્ત્રીઓના કપડાંને હાથ પણ ન લગાડતા હોય તો દરેક પુરુષે કેરળના આ તહેવાર વિશે જાણવું જરૂરી છે. જે તહેવારમાં પુરુષો  સ્ત્રીઓની સાડી પહેરીને દિવસની ઉજવણી કરે છે.

દર વર્ષે કેરળમાં ચમયવિલાક્કુ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે. કેરળના કોલ્લમ શહેરમાં કોટનકુલંગરા શ્રી મંદિરે આ પ્રસંગ મનાવાય છે. માર્ચ મહિનાના છેલ્લા ૧૦થી ૧૨ દિવસ સુધી આ તહેવાર કેરળના લોકો મનાવે છે. જેમાં પુરુષો  સ્ત્રીનો વેશ ધારણ કરીને મંદિરે પૂજા-દર્શન કરવા માટે જાય છે.  સ્ત્રી જેવા કપડાં, જવેલરી, ફેસપેક, માથામાં ફૂલ તથા મેકઅપ કરીને એક  સ્ત્રીની આબેહુબ પ્રતિકૃતિ બને છે. આ માટે પુરુષો પોતાના દાઢી-મૂછ કઢાવી નાંખે છે. આ ઉપરાંત જે લોકો ૫ કિમીના વિસ્તારમાં રહે છે તેઓ દુર્ગા મા ને વિશેષ સન્માન આપે છે. માત્ર કોલ્લમ શહેરના જ નહીં દક્ષિણ ભારતના જુદા જુદા વિસ્તારો-શહેરમાંથી પુરુષો જ નહીં પણ ટ્રાન્સજેન્ડર પણ અહીં દર્શન કરવા આવે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર એક સમયે ગોવાડિયાઓ છોકરીઓના કપડાં પહેરીને એક પથ્થરની આસપાસ રમતા હતા જેને તેઓ આ વિસ્તારની દેવી માનતા હતા. એક દિવસ ગોવાડિયાઓએ પથ્થરના સ્થાને કોઈ  સ્ત્રીને રમતી જોઈ. આ વાત નજીકના ગામડાંમાં વાયુવેગે ફેલાય ગઇ અને સૌ પુરુષો તે જોવા માટે એકઠા થયા. આ રીતે માતાજીના દર્શન કરવા સૌ કોઈ પુરુષોએ  સ્ત્રીના કપડાં પહેરીને દર્શન કર્યા. સમય જતા અહીં મંદિર બની ગયું અને આ એક પરંપરા બની ગઈ. આજે દરેક ઉંમરના પુરુષો  સ્ત્રીઓના કપડાં પહેરીને દુર્ગાના દર્શન કરવા જાય છે.

આ પ્રસંગના સાક્ષી બનવું હોય તો માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં આ મંદિરની મુલાકાત લેવી જોઈએ. આ મંદિર કેરળના કોલ્લમ પાસેના ચવારા ગામમાં આવેલું છે. રાત્રીના ૨ વાગ્યે મંદિર ખુલે છે, મંદિરની બાહર ઘણી-બધી દુકાનોમાં  સ્ત્રીઓના કપડાં ભાડે મળે છે, પુરુષો પણ નજીકના બ્યુટી પાર્લરમાં જઈને મેકઅપ કરાવીને સરસ તૈયાર થાય છે. આ દુકાનમાં તૈયાર થઈને પુરુષો મંદિરમાં પ્રવેશે છે. અડધી રાત્રે પણ મેળા જેવો માહોલ હોય છે.

માત્ર  સ્ત્રીઓના કપડાં પહેરવાથી નહીં પણ સંપૂર્ણ પણે  સ્ત્રી અવતારની પ્રતિકૃતિ કરેલી હોય તો જ આ મંદિરમાં પ્રવેશ મળે છે. આ ઉપરાંત  સ્ત્રીઓના પણ કપડાં નવા જ હોવા જોઈએ એવી અહીં પરંપરા છે.

વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ અનુસરવામાં આવે છે. આ ઉપરાંત આજે યુવાનો સારી નોકરી, સારી છોકરીઓ તથા પોતાના પરિવારની ખુશી માટે આવું કરે છે અને આ મંદિરમાં પ્રાર્થના કરે છે. આ મંદિરમાં દેવી દુર્ગા સ્વયં પ્રગટ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સામાન્ય રીતે કોઈ પણ દેવી દેવતાના મંદિર પર એક ઘુમ્મટ કે કળશ હોય છે પણ આ દુર્ગા દેવીના મંદિર પર કોઈ છત કે કળશ નથી. આ મંદિરમાં ગૃહશાંતિ માટે પણ પ્રાર્થના કરવામાં આવે છે. આ ઉપરાંત અહીંયા લોકો પથ્થર પર નાળિયેર ચઢાવે છે.(૨૧.૩૨)

(4:06 pm IST)
  • ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો:વિદેશી જંતુનાશક દવાઓ કંપનીઓને લપડાક:દેશની કંપનીઓ નથી કરતી વિદેશી કંપનીઓ નકલ:હાઈકોર્ટનાં નિર્ણયથી વિદેશી જંતુનાશક દવાઓ કંપનીઓની મોનોપોલી તૂટશે access_time 1:07 am IST

  • અમદાવાદમાં વકરતો રોગચાળો: છેલ્લા એક જ અઠવાડિયામાં ટાઈફોડના ૬૫ અને કમળાના ૫૮ નવા કેસો નોંધાયા access_time 1:12 am IST

  • બનાસકાંઠા: વાવ પંથકમાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ:યુવકે ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું :વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ access_time 1:07 am IST