Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

કપિલ દેવ, ગોવિંદા અને રવિ કિશન ૧૮ લોકોને રૂ. ૧૫,૦૦૦ ચૂકવે : કોર્ટ

એક કલબની સભ્યપદની જાહેરાત માટે આ ત્રણેય લોકોના ફોટા અને ગુડવીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

વડોદરા તા. ૨૨ : સિનિયર ક્રિકેટર કપિલ દેવ અને બોલિવૂડના બે કલાકાર ગોવિદા તથા રવિ કિશનને કનઝયુમર કોર્ટે નોટિસ ફટકારી છે. છેત્તરપીંડિ કરવાના આરોપસર કોર્ટે તેમને આર્થિક દંડ પણ કર્યો છે. એક કલબની સભ્યતાની જાહેરાત માટે આ ત્રણેય લોકોના ફોટા અને ગુડવીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સનસ્ટાર કલબની સભ્યતા એક ફ્રોડ હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષે ૧૮ લોકોએ સભ્યતાને લઈને પોતાના લાખો રૂપિયા આ સ્કિમમાં ગુમાવ્યા હતા.

આ ૧૮ લોકોએ કપિલ દેવ, ગોવિંદા અને રવિ કિશન સહિત સનસ્ટાર્સ કલબના પ્રમોટર્સ રમણ કપૂર અને તેની પત્ની સીમા તથા અન્ય ત્રણ સેલિબ્રિટિ સામે ફરિયાદ નોંધાવી હતી. શનિવારે કોર્ટે આદેશ કરતા કહ્યું હતું કે, કપિલ દેવ, ગોવિંદા અને રવિ કિશન આ ૧૮ ભોગ બનનારા દરેકને વ્યકિતદીઠ ૧૫,૦૦૦ રૂપિયા ચૂકવે. કારણે કોર્ટે નોંધ્યું હતું કે તેઓએ પણ ગેરકાયદેસર રીત થતા વેપારની નીતિ અપનાવી હતી. આ ઉપરાંત કપૂર દંપતિને પણ ભોગ બનેલા લોકોને આર્થિક વળતર ભરપાઈ કરવા માટે આદેશ કર્યો છે.

નવેમ્બર ૨૦૧૬માં કપૂર દંપતિએ યોજેલા એક સેમિનારમાં આ લોકોએ હાજરી આપ્યા બાદ આ લોકોએ સભ્યફી ભરી હતી. શહેરના અલ્કાપુરી, છાણી, મંજલપુર, જૂના પાદરા અને અકોટા જેવા વિસ્તારના ઘણા બઘા સ્થાનિકોમાં ડોકટર, પ્રોફેસર અને ગૃહિણીઓએ આ કલબ માટેની મેમ્બરશીપ લીધી હતી. ફરિયાદને આધારે આ તમામ સભ્યોને લોભામણી સ્કિમ આપવામાં આવી હતી. કલબના બ્રોસર અને વીડિયોમાં દર્શાવાયું હતું કે, ક્રિકેટર કપિલ દેવ, ગોવિદા અને રવિ કિશન કલબના જોઈન્ટ ડાયરેકટર છે.

કપૂર દંપતિએ વાયદો કર્યો હતો કે, ૧.૨ લાખથી ત્રણ લાખ સુધીની ફી ભર્યા બાદ સનસ્ટાર કલબની પ્રમાણિત કરેલી હોટેલમાં મફતમાં રોકાણની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે તથા અન્ય લાભ પણ આપવામાં આવશે. એક વર્ષ બાદ ૨૦૧૭માં જયારે મેમ્બરોએ જુદી જુદી જગ્યા પર હોટેલ બુકિંગ માટે પૂછપરછ કરી ત્યાર તેમણે કોઈ પ્રકારનો પ્રતિસાદ ન આપ્યો. ત્યાર બાદ સમગ્ર છેત્ત્।રપીંડિનું કૌભાંડ બહાર આવ્યું અને અમદાવાદ-વડોદરામાંથી તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ

જૂલાઈ અને ઓગસ્ટમાં ભોગ બનેલા લોકોએ ગ્રાહક સુરક્ષાનો સહારો લીધો. જેમાં પોતાની સાથે થયેલી છેત્ત્।રપીંડિ કહી હતી. આ ઉપરાંત એવી પણ દલીલ કરવામાં આવી કે, જે સેલિબ્રિટિના ફોટા અને ગુડવીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે. કારણ તે તેઓ પણ કલબ સાથે જોડાયેલા છે. કનઝયુમર પ્રોટેકશન એકટ અંતર્ગતના પ્રથમ ચૂકાદામાં આ ત્રણેય સેલિબ્રિટિઓને ખોટી જાહેરાત આપીને લોકો સાથે ઠગાઈ કરવાને મામલે આર્થિક દંડ ભરવા આદેશ કર્યા છે.

ગત વર્ષે જુલાઈમાં રમણ કપૂરની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી જયારે સીમા (રમણની પત્ની)ની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી. માત્ર વડોદરા જ નહીં પણ દેશના બીજા પણ કેટલાક શહેરમાં આ પ્રકારની જાહેરાત આપીને ફોરેન ટ્રિપ, ફાઈવ સ્ટાર હોટેલમાં બુકિંગ અને બીજા લાભ આપીને કલબના નામે સ્કિમ ખોલી હતી. આ બંને દંપતીઓ પર એવો પણ આક્ષેપ છે કે, બંનેએ આશરે ૨૫૦ લોકોના ૩ કરોડ જેટલા રૂપિયાનો ખોટો વહીવટ કરી નાખ્યો છે.

(3:57 pm IST)