Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

UP વિધાન પરિષદના અધ્યક્ષના પુત્રની ગળું દબાવીને હત્યા : માતાની ધરપકડ

સમગ્ર યુપીમાં ખળભળાટ મચાવતો કિસ્સો

લખનૌ તા. ૨૨ : ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના અધ્યક્ષ (સભાપતિ) રમેશ યાદવના નાના પુત્ર અભિજિત ઉર્ફે વિવેક યાદવના શંકાસ્પદ મોતના કેસમાં તેની માતાની ધરપકડ કરાતાં રાજધાની લખનૌ સહિત સમગ્ર યુપીમાં હાહાકાર મચી ગયો છે.

ચોંકાવનારી વાત એ છે કે પરિવારજનો અગાઉ અભિજિતનું કુદરતી મોત થયું હોવાનો દાવો કરતા હતા, પરંતુ પોસ્ટમોર્ટમ (પીએમ) રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અભિજિતનું મોત ગળું દબાવી દેવાથી થયું છે. આ ઉપરાંત તેના માથા ઉપર ઈજાનાં અનેક નિશાન પણ મળી આવ્યાં છે.

પાંચ ડોકટરોની પેનલે સભાપતિ રમેશ યાદવના પુત્રનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. શરૂઆતમાં પરિવારજનો તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે છાતીમાં દુખાવો થતાં અભિજિતનું કુદરતી મોત થયું છે અને તેઓ સતત પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા હતા.

અભિજિત યાદવના મોત બાદ લખનૌના એસએસપીની હાજરીમાં જ પરિવારજનો ઉતાવળમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈ ગયાં હતાં, પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી બાદ અંતિમ સંસ્કાર રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જેના રિપોર્ટ બાદ હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

બીજી તરફ મૃતક અભિજિતના મોટા ભાઈ અભિષેક યાદવે કલમ-૩૦ર હેઠળ એફઆઈઆર નોંધાવી છે. તેની ફરિયાદના આધારે પોલીસે અભિજિતની હત્યાના આરોપમાં સભાપતિ રમેશ યાદવની પત્ની મીરાં યાદવની ધરપકડ કરી છે. હજરતગંજ પોલીસે લગભગ નવ કલાક લાંબી મેરેથોન પૂછપરછ બાદ મીરાં યાદવની ધરપકડ કરી છે.

જોકે પૂછપરછ અને ધરપકડ દરમિયાન એમએલસી રમેશ યાદવની પત્નીએ તેના પતિ પર જ આરોપ લગાવ્યો હતો, જેના કારણે પોલીસ પણ મુંઝાઈ ગઈ હતી. હવે મીરાં યાદવનાં નિવેદન અને કબૂલાતના આધારે નવેસરથી તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ અભિજિત ઉર્ફે વિવેકનું રવિવારે શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજયું હતું. અભિજિતની લાશ દારુલ શફાના ડી બ્લોક સ્થિત રૂમ નંબર-ર૮માંથી મળી આવી હતી. એ વખતે રૂમમાં તેનો ભાઈ અને માતા પણ હાજર હતાં.

પરિવારજનોએ દાવો કર્યો હતો કે રાતે સૂતી વખતે અભિજિતને છાતીમાં સખત દુખાવો થઈ રહ્યો હતો. ત્યારબાદ તે સૂઈ ગયો હતો અને સવારે પથારીમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને રૂમની હાલત અને પરિવારજનોનાં વિરોધાભાસી નિવેદનો પરથી જ આ કેસ હત્યાનો હોવાની શંકા ગઈ હતી.

વિધાન પરિષદના સભાપતિ રમેશ યાદવે બે લગ્ન કર્યાં છે. તેમની પહેલી પત્ની પ્રેમાદેવી છે, જે એટા જિલ્લામાં રહે છે. તેમનો પુત્ર આશિષ યાદવ એટા સદરથી ધારાસભ્ય રહી ચૂકયો છે. મીરાં યાદવ રમેશ યાદવની બીજી પત્ની છે, જે લખનૌના દારુલ શફા સ્થિત બી બ્લોકના રૂમ નં.૧૩૭માં બે પુત્ર અભિષેક અને અભિજિત યાદવ સાથે રહેતી હતી.

(3:38 pm IST)