Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સત્તામાં રહેવા પૂંછડી નથી પટપટાવતો, ચાબુક ફટકારું છું

શિરડીમાં પ્રચારરેલીનો શુભારંભ કરીને ઉદ્ધવ ઠાકરેએ રાજયમાં ભગવો લહેરાવવાનું કર્યું એલાનઃ કહ્યું કે સત્તા માટે કયારેય લાચારી સ્વીકારી નથી અને લાચારી મારા લોહીમાં જ નથી

લાગું પાય : શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, પત્ની રશ્મિ અને દિકરા આદિત્યએ ગઇકાલે શિર્ડીમાં સાંઇબાબાના મંદિરમાં જઇને દર્શન કર્યાં હતાં.

મુંબઇ તા.૨૨: સત્તા માટે કયારેય લાચારી સ્વીકારી નથી, લાચારી મારા લોહીમાં જ નથી, સત્તા છે એટલે પૂંછડી હલાવનારાઓમાં હું નથી એવા શબ્દોમાં ગઇકાલે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શિર્ડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી અને કેન્દ્રમાં શિવસેનાને મતદાન કરવાની અપીલ કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ પત્ની રશ્મિ અને દિકરા આદિત્ય ઠાકરેએ શિર્ડીમાં સાંઇબાબાના મંદિરનાં દર્શન કર્યાં હતાં અને પછી અહમદનગરના કાર્યકર્તાઓના મેળાવડાને સંબોધન કર્યું હતું. આ વખતે પહેલી વખત શિવસેનાની સભામાં મંચ પર છત્રપતિ શિવાજી મહારાજની સાથે રામનું પણ પૂતળું બનાવવામાં આવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 'મને કોઇ ખુરસી જોઇતી નથી. મને ફકત જનતાનો પ્રેમ જોઇએ છે. અમે સત્તામાં છીએ. સત્તામાં રહીને અમે તેમના માથે બેસીને કામ કરાવી લઇએ છીએ. સત્તા માટે કયારેય લાચારી સ્વીકારી નથી. લાચારી મારા લોહીમાં જ નથી. સત્તા માટે પૂંછડી નહીં પટપટાવું, હાથમાં રાખેલો ચાબુક ફટકારીશ.'

મંડપના અનેક પંખા બંધ હોવાથી ગરમીને કારણે લોકો પરેશાન થઇ રહયા હતા એ વાતની નોંધ લેતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 'અહીં ઘણી ગરમી છે. મારી જિંદગીમાં જે ઉકળાટ આવ્યો છે એ જાય અને જીવનમાં ઠંડક આવે એવી ઇચ્છા છે.'

કસં કાય પાહુણં બરં આહે કા? એવા શબ્દો બોલીને ઉદ્વવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની નકલ કરી હતી અને કહયું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મરાઠીમાં બોલવાનું નાટક કરે છે. આ ફકત જુમલાબાજી છે. અયોધ્યામાં રામમંદિર માટે હજી કેટલી રાહ જોવાની? ખોટું બોલીને ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી, હજી કેટલું ખોટું બોલશો?

પાંચ રાજયોમાં ચૂંટણી થવાની છે એનાં પરિણામો આવવા દો. પછી ખબર પડી જશે કે પ્રધાન સેવક છે કે સત્તાના સેવક? ચૂંટણીમાં પરાજય થયો તો બધે મત માંગતા ફરશે. એક વખત કહી નાખો કે મંદિર નહીં બનાએગેં એટલે વાત પતે.' મહારાષ્ટ્રમાં ભગવો જ ફરકશે એવું એલાન કરતાં ઉદ્ધવ ઠાકરેએ ગઇકાલે વડા પ્રધાનને સંબોધીને કહ્યું હતું કે 'ખેડૂતોને પાણી આપો, ખેડૂતોને દૂધના ભાવ આપો તો આવતા ૫૦૦ વર્ષ માટે તમને જ સત્તા આપીશું.'

ટ્રેઇનિંગ આપીને ખોટું બોલાવી લેતા હોય છે એવું કહીને ઉદ્ધવ ઠાકરેએ નરેન્દ્ર મોદીની શિર્ડીૈયાત્રાની હાંસી ઉડાવતાં કહયું હતું કે 'સાંઇબાબાનાં ચરણે લોકો અર્પણ કરવા અને બીજાની સુખાકારી માગવા આવતા હોય છે, પરંતુ કેટલાક લોકો બધું પોતાના માટે માગવા આવતા હોય છે. જેટલા આશીર્વાદ માગ્યા એમાં પોતાની સત્તા અકબંધ રહે એવી જ અપેક્ષા હતી.'(૧.૩)

(11:38 am IST)