Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

અમૃતસર : જોડા ફાટક પાસે હિંસક વિરોધ પ્રદર્શનનો દોર

પથ્થરમારા અને ઝપાઝપીની ઘટનાથી તંગદિલી :રેલવે ટ્રેક ઉપર વિરોધ પ્રદર્શન ઉપર બેસી ગયેલા લોકોને દૂર કરવા પોલીસને બળપ્રયોગ કરવા માટેની ફરજ પડી

અમૃતસર, તા. ૨૧ : અમૃતસરના જોડા ફાટક પાસે થયેલી ભીષણ ટ્રેન દુર્ઘટનામાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. મોતનો આંકડો બિનસત્તાવારરીતે ૧૦૦થી પણ ઉપર પહોંચી ચુક્યો છે જ્યારે સત્તાવારરીતે મોતનો આંકડો હજુ પણ ૬૨ની આસપાસ દર્શાવવામાં આવી રહ્યો છે. બનાવ બાદ આજે પણ લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. જોડા ફાટક પાસે દેખાવ કરી રહેલા લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો જેના લીધે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. આજે રવિવારના દિવસે પંજાબ પોલીસે રેલના ટ્રેક નજીક પ્રદર્શન ઉપર બેસી ગયેલા લોકોને દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરી ત્યારે નારાજ લોકોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું છે કે, આ ઝપાઝપીમાં પંજાબ પોલીસના એક કમાન્ડો અને એક પ્રેસ ફોટોગ્રાફરને ઇજા થઇ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આજે સવારે જોડા ફાટકની નજીક રેલવે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સગા સંબંધીઓએ જોરદાર દેખાવો કર્યા હતા. આ ગાળા દરમિયાન સ્થાનિક અધિકારીઓની સાથે ઘટનાસ્થળે પહોંચીને તમામ લોકોને રેલવે ટ્રેક પરથી દૂર કર્યા હતા. અહીં ઉપસ્થિત રહેલા દેખાવકારોએ પોલીસ દળ ઉપર પથ્થરમારો કર્યો હતો જેના લીધે પોલીસને પણ બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ દેખાવની જગ્યાએથી તમામ લોકોને દૂર કરવામાં આવ્યા બાદ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. જોડા ફાટક પાસે દેખાવ કરી રહેલા લોકોએ રેલવે દુર્ઘટનાના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા પરંતુ જ્યારે આ પોલીસે આ તમામ લોકોને દૂર કરવાના પ્રયાસ કર્યા ત્યારે નારાજગી વધી ગઈ હતી અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં રેપિડ  એક્શન ફોર્સ સહિત પંજાબ પોલીસની અનેક ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી. તંગદિલીને ધ્યાનમાં લઇને વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પંજાબમાં શુક્રવારે ટ્રેન દુર્ઘટના થયા બાદ સરકારની સો નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. બીજી બાજુ રેલવે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોએ કહ્યું છે કે, પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધૂ અને પત્નિ નવજોત કૌર દુર્ઘટના થયા બાદ જાનગુમાવી દેનાર લોકોના પરિવારને મળવા માટે પણ પહોંચ્યા નથી. મુખ્યમંત્રી અમરિન્દરસિંહે ઘટનામાં  મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ કર્યો છે. સાથે સાથે રેલવે દ્વારા પણ વિભાગીય તપાસ કરવામાં આવી રહી છે. પરિવારના સભ્યોની માંગ છે કે, દોષિતો સામે વહેલીતકે કાર્યવાહી કરવી જોઇએ. પંજાબ સરકાર દ્વારા મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને ૫-૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે સાથે ઇજાગ્રસ્તો માટે પણ મદદની જાહેરાત કરી છે. શુક્રવારના દિવસે રાવણદહનની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જોડા ફાટકની નજીક દુર્ઘટના થઇ હતી. રાવણદહન દરમિયાન જોરદાર આગની જ્વાળા હતી અને ફટાકડાઓના તીવ્ર અવાજ આવી રહ્યા હતા. મોડી સાંજ થઇ ગઇ હોવાથી અંધારાની સ્થિતિ હતી. આવી સ્થિતિમાં જટિલ સ્થિતિ વચ્ચે રાવણદહનની વિધિવેળા જ પુર ઝડપે ટ્રેન નજીકથી નિકળી હતી જેના લીધે સેંકડો લોકો અડફેટે આવી ગયા હતા અને તેમના મોત થયા હતા.

ઇજાગ્રસ્તો હજુ પણ સારવાર હેઠળ છે અને કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ પથ્થરમારાની ઘટનામાં પંજાબ પોલીસના હેડકોન્સ્ટેબલ અમૃતપાલસિંહ ગંભીરરીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

(12:00 am IST)