Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

કોંગ્રેસે સુભાષ બાબુ માટે કરાયેલા કામોને ગણાવ્યા

ભાજપ પાસે કોઇ વિરાસત નથી : સિંઘવી :ભાજપના લોકોનું આઝાદીના આંદોલનમાં યોગદાન નથી

નવીદિલ્હી, તા. ૨૧ :  આઝાદ હિંદ ફોજની સ્થાપનાના દિવસે દેશમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને લઇને પણ રાજનીતિ શરૂ થઇ ચુકી છે. પહેલા વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાથી પોતાના સંબોધનમાં કોંગ્રેસ ઉપર નેતાજી અને સરદાર પટેલ જેવી હસ્તીઓને ભુલાવ દેવાના પ્રયાસ કરવાના આક્ષેપો કર્યા હતા. હવે કોંગ્રેસે પણ વળતા આક્ષેપ કર્યા છે. કોંગ્રેસે કહ્યું હતું કે, ભાજપ વિરાસતવિહિન પાર્ટી તરીકે છે. કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે, ભાજપનું સ્વતંત્રતાના આંદોલનમાં કોઇપણ યોગદાન નથી જેથી વિરાસત મેળવી લેવાના પ્રયાસ થઇ રહ્યા છે. કોંગ્રેસે અગાઉની સરકારોમાં નેતાજીના સન્માન માટે કરવામાં આવેલા કામોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, મોદીએ ઇતિહાસમાં ધ્યાન આપવાની જરૂર છે. આજે આઝાદ હિંદ ફોજની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. બીજી બાજુ કોંગ્રેસે તરત જ વળતા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, એક સર્વોચ્ચ બંધારણીય હોદ્દા ઉપર રહીને શુભ અવસર ઉપર પણ વડાપ્રધાન ૨૪ કલાક રાજનીતિની વાત કરતા રહે છે તે  વાત શોભતી નથી. આજના શુભ અવસર પર આ મુદ્દે વાત કરવાની જરૂર ન હતી. મોદી ક્યારેક પટેલને રાજનીતિમાં લઇ આવે છે તો ક્યારેક નેતાજીને લઇ આવે છે. રાષ્ટ્રીય આંદોલન, આઝાદીના આંદોલનની વિરાસતને કબજે કરવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે. સિંઘવીએ કહ્યું હતું કે, નેતાજીની ઇન્ડિયન નેશનલ આર્મીની ટ્રાયલમાં સ્વતંત્રતા સેનાનીઓનો બચાવ કરનાર કોણ હતા. તેમણે એમ પણ કહ્યું હતુ ંકે, જ્યારે નેતાજીની ફાઇલ ડી ક્લાસિફાઈડ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું  કે તેમના પરિવારની આ વ્યવસ્થા પંડિત નહેરુ અને તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા કરાઈ હતી. સિંઘવીએ મોદી સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેઓએ નેતાજની અવધારણા જેના ઉપર પ્લાનિંગ કમિશનની રચના કરાઈ હતા તેને ખતમ કરવાના પ્રયાસ કરાયા છે.

(12:00 am IST)