Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

વિદેશ સ્‍થિત ગેંગસ્‍ટરો અને શીખ અલગતાવાદીઓને ઝડપવા આયોજન તેમની સંપતિ જપ્‍ત કરવાની કરાઇ રહી છે તૈયારીઓ

નવી દિલ્‍હી તા. રરઃ ડ્રગ ટ્રાફીકરો, ગેંગસ્‍ટરો અને ખાલીસ્‍તાની અલગતાવાદીઓ જેવા વિદેશમાં સ્‍થિત ભારતીય નાગરિકોની સ્‍થિતીના રીવ્‍યુ દ્વારા આવા આરોપીઓની સંપતિ યુએપીએ કાયદા હેઠળ જપ્‍ત કરવા, વીઝાની પ્રક્રિયા અઘરી બનાવવા અને લુક આઉટ નોટીસ બહાર પાડવા સંખ્‍યાબંધ પગલાઓ લેવાની તૈયારીઓ થઇ રહી હોવાનું જાણવા મળ્‍યું છે.

સુરક્ષા વિભાગના સુત્રો અનુસાર, ગૃહ મંત્રાલય કેનેડા જેવા સેફ હેવનમાં ભરાઇને બેસેલા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરી રહેલા મઆવા ગુનેગારોની યાદી બનાવી રહ્યું છે.

તેમણે કહ્યું કે આ પ્રક્રિયાના ભાગરૂપે ખાલીસ્‍તાની અલગતાવાદીઓ પર દબાણ ઉભું કરવાનું એનઆઇએએ નકકી કર્યું છે. યુએપીએ કાયદાનું ઉલ્લંઘન કરનાર દરેક ગુનેગારની સંપતિ જપ્‍ત કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે આ કાર્યવાહી ફકત અલગતાવાદીઓ પર જ નહીં પણ ગેંગસ્‍ટરો અને ડ્રગ ટ્રાફીકરો પર પણ કરવામાં આવશે.

ઓસીઆઇ બાબતે વાત કરતા સુત્રએ કહ્યું કે જે કોઇપણ ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરશે અથવા હિંસા, નફરત અને અલગતાવાદી વિચારો ફેલાવવામાં સંડોવાયેલા હશે તેમણે કાર્યવાહીનો સામનો કરવો પડશે. સુત્રએ કહ્યું, ‘‘ઓસીઆઇ કાર્ડ જન્‍મસિધ્‍ધ અધિકાર નથી. તે ભારતીય મૂળની વ્‍યકિતને આપવામાં આવે છે જે ભારતમાં લાંબા વસવાટ અને મુલાકાતની છૂટ આપે છે. તે નાગરિકતાની ગેરેંટી નથી.

 

(4:27 pm IST)