Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

આરોપીને છ માસ ગામની મહિલાના કપડાં ધોવાની સજા

બિહારના મધુબનીની ઘટનામાં કોર્ટ દ્વારા રસપ્રદ સજા : છેડતી અને રેપના પ્રયાસના આરોપીએ કપડા ધોયા બાદ તેને ઈસ્ત્રી કરી ઘરે જઈ કપડા પાછા આપવાના રહેશે

  પટણા,તા.૨૨ : બિહારના મધુબની જિલ્લામાં યુવતીઓની છેડતી અને રેપના પ્રયાસ બદલ આરોપીને સ્થાનિક કોર્ટે રસપ્રદ સજા ફટકારી છે. કોર્ટે કહ્યુ હતુ કે, આરોપીને જામીન આપવામાં આવી રહ્યા છે પણ તેની સાથે સાથે કોર્ટની શરત છે કે, આગામી ૬ મહિના સુધી ગામની તમામ મહિલાઓના કપડા ધોવા પડશે. જેથી તેના મનમાં મહિલાઓ માટે સન્માન જાગે. સાથે સાથે કપડા ધોયા બાદ તેને ઈસ્ત્રી કરવા પડશે અને ઘરે ઘરે જઈને કપડા પાછા આપવાના રહેશે. મળતી વિગતો પ્રમાણે કોર્ટે ૨૦ વર્ષીય લલન કુમારને મહિલાઓનુ સન્માન કરવા માટે પણ ટકોર કરી હતી.

           કોર્ટને ખબર પડી કે, આરોપી ધોબી છે ત્યારે કોર્ટે તેને મહિલાઓના કપડા ધોવાનો આદેશ આપ્યો હતો. આ ગામમાં ૨૦૦૦ જેટલી મહિલાઓની વસતી છે. કોર્ટના આદેશ પ્રમાણે હવે આગામી ૬ મહિના સુધી આરોપીએ મહિલાઓના કપડા ધોવા પડશે અને તેને ઈસ્ત્રી પણ કરવી પડશે. કોર્ટે કહ્યુ હતુ કે, આરોપી કોર્ટની સજાનુ પાલન કરે છે કે, નહીં તેના પર ગામના સરપંચ કે બીજા કોઈ સરકારી કર્મચારી નજર રાખશે. આરોપીએ જે નજર રાખતા હશે તેવા વ્યક્તિ પાસેથી મફત સેવા કરી છે તેવુ પ્રમાણ પત્ર પણ લેવુ પડશે. ઉલ્લેખનીય છે કે, લલન કુમારને ૧૯ એપ્રિલે છેડખાની અને રેપના પ્રયાસ બદલ પકડવામાં આવ્યો હતો. લલન પર ગામની મહિલા સાથે જ છેડતીનો આરોપ મુકવામાં આવ્યો હતો.

(7:44 pm IST)