Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ભાજપના નેતા કિરીટ સોમૈયા સામે ૧૦૦ કરોડનો માનહાનીનો દાવો : મહારાષ્ટ્રના મંત્રી અનિલ પરબે ઝિક્યો દાવો

મુંબઇ: શિવસેના નેતા અને મહાવિકાસ અઘાડી સરકારમાં મંત્રી અનિલ પરબે ભાજપ નેતા કિરીટ સોમૈયા પર 100 કરોડ રૂપિયાના માનહાનિનો દાવો કર્યો છે. મહત્વપૂર્ણ છે કે ઉદ્ધવ સરકારના એક મંત્રી હસન મુશ્રિફે પણ સોમૈયા પર 100 કરોડનો દાવો ઠોકવાની ધમકી આપી છે.

મહત્વપૂર્ણ છે કે ભાજપના નેતા કિરીટ સોમૈયા છેલ્લા કેટલાક મહિનાથી મહાવિકાસ અઘાડી નેતાઓ વિરૂદ્ધ આર્થિક અનિયમિતતાના આરોપ લગાવતા આવી રહ્યા છે. આવા જ આરોપ તેમણે પરિવહન મંત્રી અનિલ પરબ અને ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશ્રિફ પર લગાવ્યા હતા. હસન મુશ્રિફ વિરૂદ્ધ કેટલાક અન્ય આરોપ લગાવવા માટે તેમના ગૃહવિસ્તાર કોલ્હાપુર જઇ રહેલા કિરીટ સોમૈયાને રસ્તામાં જ ટ્રેનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા.

અનિલ પરબે સોમૈયાને ચેતવણી આપી હતી કે તે તેમના વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપો પર 72 કલાકની અંદર માફી માંગે, નહી તો તે તેમની ઉપર 100 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કરશે. કિરીટ સોમૈયા દ્વારા 72 કલાકમાં આવુ ના કરવા પર અનિલ પરબે મુંબઇ હાઇકોર્ટમાં આ દાવો દાખલ કર્યો છે. પરબે આ વાતની જાણકારી પોતાની ટ્વીટમાં આપી છે.

બીજી તરફ કિરીટ સોમૈયા હસન મુશ્રિફ વિરૂદ્ધ કેટલાક નવા પુરાવા સાથે ઇડીના કાર્યાલયે પહોચ્યા હતા. ત્યા તેમણે મુશ્રિફ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે અને તેમના વિરૂદ્ધ કેટલાક પુરાવા કાર્યાલયને સોપ્યા છે.

(6:10 pm IST)