Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

બનાસ નદી ગાંડીતૂર : પૂરમાં ફસાયેલ દંપતિને ભારે જહેમત બાદ બચાવી લેવાયા

ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસનદી ગાંડીતૂર, પુરમાં ફસાયેલ દંપતિને ભારે જહેમત બાદ બચાવાયા

રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે અને લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે ભારે વરસાદને લઈ બનાસનદીમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. આજે વહેલી સવારે એક દંપતિ નદીમાં અચાનક પાણી આવતા તે ફસાઈ ગયું હતું અને પોતાનો જીવ બચાવવા માટે તેઓ કલાકો સુધી એક ઝાડના સહારે બેઠા રહ્યા હતા. ભારે જહેમત બાજ આ દંપતિને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

બનાસનદીમાં ભારે વરસાદને પગલે પુરની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે એક દંપતિ આ નદીમાં ફસાઈ ગયા હોવાની જાણ લોકોએ ફાયરને કરી હતી. જેથી કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે, પાણીનો પ્રવાહ વધતા આ વૃદ્ધ દંપતીએ કલાકો સુધી ઝાડના સહારે બચવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે અધિકારીઓએ તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી હોડી, દોરડા સહિતની ચીજવસ્તુઓ વડે સતત ચાર કલાક સુધી ભારે જહેમત ઉઠાવ્યાં બાદ આ વૃદ્ધ દંપતીને સહી-સલામત બહાર કાઢી બચાવ્યાં હતા.

આ વખતે બનાસકાંઠા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં પણ વરસાદ નહિવત જેટલો થયો હતો અને સતત એક મહિના સુધી રાહ જોવડાવ્યાં બાદ મોડે મોડે છેલ્લા અઠવાડિયામાં સામાન્ય વરસાદ થયો હતો, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ત્રણે-ત્રણ ડેમ હજુ સુધી કોરા છે અને પાણીના તળ પણ 1 હજાર ફૂટ થી પણ વધુ ઊંડા ઉતરવા લાગ્યા છે, ત્યારે છેલ્લા બે દિવસથી રાજસ્થાનમાં સતત વરસાદના કારણે હવે બનાસનદીમાં નવા નિર આવતાં ખેડૂતોને પાણીના તળ ઊંચા આવવાની આશા બંધાઈ છે.

​​​​​​​રાજસ્થાનના ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી સતત સારો વરસાદ થયો હતો. તેના કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસનદીમાં નવા નીર આવ્યાં છે. રાજસ્થાનમાં તો બનાસ નદી બે કાંઠે વહી રહી છે અને બનાસકાંઠામાં અમીરગઢ પાસે બનાસ નદીમાં નવા નિર આવતા હવે જિલ્લામાં ઊંડા ઉતરી રહેલા પાણીના તળ ઊંચા આવશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે , જો કે હજુ સુધી બનાસકાંઠાના ત્રણ માંથી એક પણ ડેમમાં નવું પાણી આવ્યું નથી, ત્યારે રાજસ્થાનમાં સતત સારો વરસાદ થાય અને બનાસકાંઠા જિલ્લાના ત્રણ જળાશયો પાણીથી છલકાઈ જાય તેવી ખેડૂતો વરુણદેવને પ્રાર્થના કરી રહ્યા છે.

(6:09 pm IST)