Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

હવે હરિયાણામાં પણ કોંગ્રેસમાં બદલાવની ગણાતી ઘડીઓઃ કોંગ્રેસ વિધાયક દળના નેતા ભૂપિંદરસિંહ હુડ્ડાએ ચંદીગઢમાં સીએલપીની બેઠક બોલાવી

જો કે તેની પાછળ કોઇ રાજકીય એજન્‍ડા ન હોવાની પણ ચર્ચા

રોહતક: પંજાબ કોંગ્રેસમાં બદલાવ બાદ હરિયાણા કોંગ્રેસ વિધાયક દળના નેતા ભૂપિંદર સિંહ હુડ્ડાએ ચંદીગઢમાં સીએલપીની બેઠક બોલાવી છે. પાર્ટીના અંદરના સુત્રોએ જણાવ્યુ કે હુડ્ડાએ પાર્ટી હાઇકમાનને એક સ્પષ્ટ મેસેજમાં તાકાત બતાવવાના ઉદ્દેશ્યથી સીએલપી બેઠક બોલાવી છે. આ બેઠકથી તે ટોચના નેતૃત્વને એમ જણાવવા માંગે છે કે હરિયાણામાં પાર્ટીના મોટાભાગના ધારાસભ્ય તેમના પક્ષમાં છે.

90 સભ્યોની હરિયામા વિધાનસભામાં કોંગ્રેસ પાસે 31 ધારાસભ્ય છે. બીજી તરફ ભાજપના 40 અને જજપાના 10 ધારાસભ્ય સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે. આ સિવાય હરિયાણા લોકહિત પાર્ટીના સાત અને એક અપક્ષ ધારાસભ્ય છે. હુડ્ડા હરિયાણા વિધાનસભામાં વિપક્ષના નેતા પણ છે. ખેડૂત આંદોલનના નામ પર એક ધારાસભ્યએ તાજેતરમાં રાજીનામુ આપ્યુ હતુ.

એજન્ડામાં કૃષિ કાયદા

ઔપચારિક એજન્ડા અનુસાર, કોંગ્રેસ મુખ્ય રીતે ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન સિવાય સાર્વજનિક મહત્વના અન્ય મુદ્દા પર ચર્ચા કરશે, જેમાં જરૂરી વસ્તુઓની કિંમતમાં વધારો, બગડતી કાયદા વ્યવસ્થા અને ઇંધણની કિંમતમાં વૃદ્ધિ સામેલ છે. કોંગ્રેસના એક ધારાસભ્યએ જણાવ્યુ કે નિશ્ચિત રીતે આ બેઠકમાં રાજકીય પરિદ્રશ્ય પર ચર્ચા કરવામાં આવશે.

હુડ્ડાના ઘરે મળશે બેઠક

સીએલપીની બેઠક હુડ્ડાના સેક્ટર 7 સ્થિત ઘરે મળશે, તેમણે ત્રણ દિવસ સુધી ચંદીગઢમાં રહેવાનો કાર્યક્રમ છે. આ બેઠક માટે ધારાસભ્યોને તો બોલાવવામાં આવ્યા છે પરંતુ કોઇ ખાસ એજન્ડા આપવામાં આવ્યો નથી.

એક અન્ય કોંગ્રેસ ધારાસભ્યએ જણાવ્યુ કે પંજાબમાં નેતૃત્વ પરિવર્તન થયા પહેલા જ સીએલપીની બેઠક બોલાવવામાં આવી હતી. આ એક સામાન્ય બેઠક છે જેને સીએલપી નેતા તમામ ધારાસભ્યો સાથે વાતચીત કરવા અને વિવિધ મુદ્દા અને પાર્ટીની રણનીતિઓ પર ચર્ચા કરવા માટે એક વખત બોલાવે છે, તેમણે કહ્યુ કે તેની પાછળ કોઇ રાજકીય એજન્ડા નથી.

(4:40 pm IST)