Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

મહંત નરેન્દ્ર ગિરિના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ આવ્યું સામેઃ પાર્થિવ દેહને ભૂ-સમાધિ

પ્રયાગરાજ, તા.૨૨:  મહંત નરેન્દ્ર ગિરિના પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. થોડીવારમાં તેમના મૃતદેહને ભૂ-સમાધિ સ્થળે લઈ જવામાં આવશે. અત્રે જણાવવાનું કે ૮ વાગે જ મહંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસ લઈ જઈને પોસ્ટમોર્ટમ શરૂ કરી દેવાયું હતું. લગભગ દોઢ કલાકની અંદર પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવાનું હતું પરંતુ તેમાં થોડો વિલંબ થયો. બીજી બાજુ મહંત નરેન્દ્ર ગિરિના શિષ્ય નિર્ભય દ્વિવેદી સહિત સાત સંત આ પોસ્ટમોર્ટમ પરિસરમાં હાજર રહ્યા હતા. કહેવાય છે કે ત્યારબાદ મહંતના પાર્થિવ દેહને નગરમાં  ભ્રમણ માટે લઈ જવાશે.

મહંત નરેન્દ્ર ગિરિના પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ફાંસી ગણાવવામાં આવ્યું છે.આ બાજુ નરેન્દ્ર ગિરિના શંકાસ્પદ મોત પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમને પણ શંકા છે કે મહંત નરેન્દ્ર ગિરિ આત્મહત્યા કરી શકે નહીં. તેમણે કહ્યું કે પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. મને યુપી સરકાર અને પોલીસ પર પૂરેપૂરો ભરોસો છે.

મહંત નરેન્દ્ર ગિરિ કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે પોલીસે ત્રીજા આરોપી આદ્યા તિવારીના પુત્ર સંદીપ તિવારીની ધરપકડ કરી છે. આ અગાઉ આનંદ ગિરિ અને આદ્યા તિવારીની ધરપકડ થઈ હતી. બંને આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરાશે. આ કેસમાં તેમના ચારેય સુરક્ષાકર્મીઓની પણ SIT એ પૂછપરછ કરી છે. મળતી માહિતી મુજબ આ તમામ સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

મઠ પરિસરમાં મહંત નરેન્દ્ર ગિરિના અનુયાયીઓ તેમને શ્રદ્ઘાંજલિ આપશે. આ સાથે જ તમામ અખાડાના પ્રતિનિધિઓ પણ શ્રદ્ઘાંજલિ આપશે. બપોરે લગભગ પાર્થિક દેહ ભૂ સમાધિ માટે મઠ પરિસરના પાછળના ભાગમાં લઈ જવાશે. મઠ પરિસરમાં મહંત નરેન્દ્ર ગિરિના ગુરુની બાજુમાં તેમને સમાધિ અપાશે. અખાડાના પંચ પરમેશ્વર ભૂ સમાધિની પ્રક્રિયામાં હાજર રહેશે. ભૂ સમાધિના સમયે નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરિ મહારાજ હાજર રહેશે.

(3:55 pm IST)