Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

છેડતી કરનારા શખ્સને કોર્ટની સજાઃ ૬ મહિના સુધી ૨૦૦૦ મહિલાને ફ્રીમાં કપડા ધોઈ આપેઃ પ્રેસ કરીને ઘરે ઘરે આપવા પણ જવું પડશે

પટણા, તા.૨૨: બિહારના મધુબની જિલ્લાના ઝંઝારપુરની એક નીચલી કોર્ટે છેડતી અને બળાત્કારનો પ્રયાસ કરવાના કેસમાં સુનાવણી કરતા આરોપીને આખા ગામની મહિલાઓના કપડા ધોવા કહ્યુ છે. કોર્ટે કહ્યુ છે કે, આરોપીને આ શરતે જામીન આપવામાં આવશે. તે આગામી છ મહિના સુધી ગામની દરેક મહિલાઓના કપડા ધોશે. જેથી તેના મનમાં મહિલાઓ પ્રત્યે સન્માન જાગે. કોર્ટે આદેશ આપ્યો છે કે, આરોપી ગામની દરેક મહિલાના કપડા ધોયા બાદ તેને ઈસ્ત્રી પણ કરશે અને દ્યરે દ્યરે જઈને પાછા આપી આવશે.

એડીજી અવિનાશ કુમારે મામલાની સુનાવણી કરતા ૨૦ વર્ષિય આરોપી લલન કુમારને ફટકાર લગાવી છે અને મહિલાઓનું સન્માન કરવા જણાવ્યુ છે. કોર્ટે આરોપીને પુછ્યુ હતું કે, તે શું ધંધો કરે છે, તો તેણે કહ્યુ કે, તે ધોબી છે. જેને ધ્યાનમાં રાખીને કોર્ટે મહિલાઓના કપડા ફ્રીમાં ધોઈ આપવાનો આદેશ આપ્યો છે. આપને જણાવી દઈએ કે આ ગામમાં લગભગ ૨૦૦૦ જેટલી મહિલાઓની સંખ્યા છે. એટલે કે, આરોપીને આ ૨૦૦૦ મહિલાઓના કપડાં ધોવાના રહેશે અને તેને પ્રેસ પણ કરવાની રહેશે.

કોર્ટે કહ્યુ હતું કે, આરોપી લલન યોગ્ય રીતે કોર્ટના આદેશનું પાલન કરે છે કે નહીં તેનું ધ્યાન ગામના સરપંચ અથવા સન્માનિત અધિકારી કરશે. આરોપીએ મફત સેવા આપી છે, તેનું સર્ટિફિકેટ લઈને કોર્ટમાં આવવાનું રહેશે. કોર્ટે જામીનની કોપી ગામના સરપંચ અને પ્રમુખને આપવા જણાવ્યુ છે.

આપને જણાવી દઈએ કે, પોલીસે આ વર્ષે ૧૯ એપ્રિલના રોજ છેડતી અને દુષ્કર્મના કિસ્સામાં અરેસ્ટ કર્યો હતો. લોકહાં પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ હતું કે, લલન કુમાર પર આરોપ છે કે, ૧૭ એપ્રિલે રાત તેણે ગામની એક મહિલા સાથે છેડતી કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. ૧૮ એપ્રિલે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી.

(3:53 pm IST)