Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

આવી હશે ભારતની પહેલી ફલાઇંગ કાર ! : આવતા મહિને લંડનમાં લોન્ચ થઇ શકે છે : બે લોકો કરી શકશે મુસાફરી

નવી દિલ્હી,તા.૨૨: હવે તમે દેશમાં ખૂબ જલ્દી ઉડતી કારમાં મુસાફરી કરી શકશો જી હાં.. ભારતમાં કાર સાથે આકાશમાં ઉડવાનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ફ્લાઈંગ કારને ઉડાવવાની પરવાનગી આપી છે.ઘણી કંપનીઓ આ પ્રોજેકટ પર ઝડપથી કામ કરી રહી છે. ત્યારે વિનતા એરોમોબિલીટી કંપની ઓફ ઈન્ડિયાનું નામ પણ આ યાદીમાં સમાવવામાં આવ્યું છે.

હાઈબ્રિડ ફ્લાઈંગ કાર ચેન્નઈ સ્થિત સ્ટાર્ટઅપ કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે.કંપનીએ પહેલીવાર નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને કારનું મોડેલ બતાવ્યું હતું. આ મામલે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, તેઓ વિનાતા એરોમોબિલીટીની એક યુવાન ટીમને મળ્યા હતા અને કોન્સેપ્ટ ફ્લાઇંગ કારની તપાસ કરી હતી.

તેમણે એશિયાની પ્રથમ હાઇબ્રિડ ફ્લાઇંગ કારની સંપૂર્ણ સમીક્ષા કરી. તેમને વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે આ કાર વાસ્તવમાં તૈયાર થઈ જશે ત્યારે લોકો અને સામાનને અહીંથી ત્યાં ખસેડી શકાય છે. આ ઉપરાંત, આ ઉડતી કાર મેડિકલ ઈમરજન્સીમાં પણ ઘણી મદદ કરશે.

કપંનીએ ૧૪મી ઓગસ્ટના રોજ પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનેલ પર ૩૬ સેકન્ડનો એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયો મુજબ આ કાર ૫મી ઓકટોબરે લંડનમાં લોન્ચ થઈ શકે છે. જો કે, તેની કિંમત અંગે હજી સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

આ હાઈબ્રિડ કાર સામાન્ય કાર જેવી લાગે છે, પરંતુ તેમાં બે એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પેટ્રોલ/ડીઝલ એન્જિન સાથે ઇલેકિટ્રક મોટર છે. આ ટેકનિકને હાઇબ્રિડ કહેવામાં આવે છે.હાલ મોટાભાગની કંપનીઓ આ પ્રકારની કાર પર કામ કરી રહી છે. મેડ ઇન ઇન્ડિયા ફ્લાઇંગ કાર વીજળીની સાથે બાયો ફ્યુઅલ પર પણ ચાલશે, જેથી તેની ઉડવાની ક્ષમતા વધારી શકાય. જો કે, તેની ક્ષમતા વિશે હજુ સુધી માહિતી મળી નથી. કંપની દ્વારા સિંધિયા સમક્ષ રજૂ કરાયેલા ખ્યાલ મુજબ બે મુસાફરો તેમાં ઉડાન ભરી શકશે.

(3:14 pm IST)