Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

૨ વર્ષ બાદ સોની બજારમાં જોવા મળ્યો ધમધમાટ : ૧૪ ટકા વધી સુવર્ણકારોની કમાણી

ઝવેરાત વિક્રેતાઓનું માર્જિન પણ ૧.૨૦ ટકા વધી કોવિડ પૂર્વ સ્તરે પહોંચ્યું : લગ્નની સીઝનને કારણે બજારમાં તેજી જોવા મળીઃ ક્રિસીલનો રીપોર્ટ

મુંબઇ, તા.૨૨: મહામારીના કારણે બે વર્ષ સતત ઘટાડા પછી રીટેઇલ દાગીના વેચનારાઓની કમાણી ૧૨-૧૪ સુધી વધી ગઇ છે. રેટીંગ એજન્સી ક્રિસીલે મંગળવારે જણાવ્યું કે સોનાની કિંમતો સ્થિર રહેવાથી અને લગ્ન તથા તહેવારોની મોસમમાં ખરીદી વધવાથી આ તેજી આવી છે.

ક્રિસીલ અનુસાર, દાગીના વેચનારાઓનું માર્જીન પણ ૧.૨૦ ટકા વધીને કોરોના મહામારી પહેલાના સ્તર પર પહોંચી ગયું છે. સોનાની કિંમતોમાં ઘટાડાથી માર્જીન ૬.૫ થી ૭ ટકા જેટલું થઇ ગયું છે. દેશભરના ૮૬ દાગીના વિક્રેતાઓ પરસ કરાયેલ સર્વેમાં ક્રિસીલે જણાવ્યું કે છેલ્લા બે નાણાકીય વર્ષમાં ઘટાડાના કારણે પણ આ વર્ષે કમાણીમાં તેજી આવી છે.

૨૦૧૯ - ૨૦માં રીટેલ વેચાણકારોની કમાણીમાં ત્રણ ટકા અને ૨૦૨૦-૨૧માં આઠ ટકાનો ઘટાડો થયો હતો. ક્રિસીલના સીનીયર ડાયરેકટર અનુજ સેઠીએ જણાવ્યું કે સરકારે જુલાઇ ૨૦૧૯માં આયાત શુલ્ક ૨.૫ ટકા વધારીને ૧૨.૫ ટકા કરતા માંગમાં ઘટાડો થયો હતો. ત્યારપછી માર્ચ ૨૦૨૦માં મહામારી આવતા માંગ પર ફરી અસર થઇ હતી.

ક્રિસીલે જણાવ્યું કે આગામી ત્રિમાસીકોમાં તહેવારો અને લગ્નની મોસમ હોવાથી આભુષણોની માંગ વધારે વધશે. આ સમય દરમ્યાન આખા વર્ષના કુલ વેચાણનો લગભગ ૫૫-૬૦ ટકા હિસ્સો હોય છે. આર્થિક ગતિવિધીઓ સુધારવાથી લોકોની આવક પણ વધી રહી છે જેનો લાભ ઘરેણા ઉદ્યોગને મળશે.

સરકારે મહામારી પછી સોનાની આયાત શુલ્ક ૨૦૧૩ ટકા ઘટાડીને ૧૦.૭૫ ટકા કરી છે. તેનાથી ઘરેલુ બજારમાં કિંમતો ઘટી છે. સોની બજારના ધંધાર્થીઓએ ગયા વર્ષે દાગીના પર આઠ ટકા સુધીનું માર્જીન મેળવ્યું હતું જેનું કારણ સોનાની કિંમતોમાં જોરદાર વધારો હતો. આ દરમ્યાન જવેલર્સોએ પહેલા બનાવી લીધેલ દાગીનાઓ પર સારૂ એવું માર્જીન મેળવ્યું હતું.

(3:13 pm IST)