Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પાકિસ્તાનથી સ્થળાંતર કરી દિલ્હી આવેલા 200 હિન્દૂ પરિવારોએ વીજળી કનેક્શન માટે અરજી કરી : લાંબા ગાળાના વિઝા અને પાસપોર્ટના આધારે વીજળીના જોડાણની માંગ નકારવમાં આવતા દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : સ્કૂલોમાં ફિઝિકલ શિક્ષણ બંધ હોવાથી વીજળીના અભાવે બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત હોવાની અરજ : નામદાર કોર્ટે દિલ્હી સરકાર ,ટાટા પાવર ,તથા જિલ્લા મેજિસ્ટ્રેટનો ખુલાસો માંગ્યો

ન્યુદિલ્હી : પાકિસ્તાનથી  સ્થળાંતર કરી દિલ્હી આવેલા 200 હિન્દૂ પરિવારોએ વીજળી કનેક્શન માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે.લાંબા ગાળાના વિઝા અને પાસપોર્ટના આધારે વીજળીના જોડાણની માંગ નકારવમાં આવતા તેઓએ દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.પિટિશનમાં જણાવાયા મુજબ સ્કૂલોમાં ફિઝિકલ શિક્ષણ બંધ હોવાથી વીજળીના અભાવે  બાળકો ઓનલાઇન શિક્ષણથી વંચિત છે. પરિણામે તેમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.

દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયમૂર્તિ અમિત બંસલની ડિવિઝન બેંચે 800 જેટલા હિન્દુ પ્રવાસીઓ વતી દાખલ કરાયેલી જાહેર હિતની અરજીને ધ્યાને લઇ  દિલ્હી સરકાર, ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ અને ઉત્તર દિલ્હીના જિલ્લા મેજિસ્ટ્રેટને નોટિસ આપી છે. તથા 22 ઓક્ટોબર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.

એક સામાજિક કાર્યકર હરિઓમ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) એ સ્થળાંતર કરનારાઓને દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (સપ્લાય કોડ અને પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ્સ) રેગ્યુલેશન્સ, 2017 હેઠળ તેમના આધાર કાર્ડ, લાંબા ગાળાના વિઝા અને પાસપોર્ટના આધારે વીજળીના જોડાણો પૂરા પાડવાના નિર્દેશો માંગ્યા હતા.

"રોગચાળા દરમિયાન જ્યારે બધી શાળાઓ ઓનલાઈન થઈ ગઈ છે, ત્યારે ઝુગીઓ (ઝૂંપડપટ્ટીઓ) માં વીજળી નથી અને તેમના બાળકોનું ભવિષ્ય અંધકારમાં છે." તેમજ આ ઝુગીઓમાં મેલેરિયા અને ડેન્ગ્યુના વારંવાર કેસો કેવી રીતે આવી રહ્યા છે તે પણ પિટિશનમાં દર્શાવવામાં આવ્યું છે.

એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે અરજદારે અનેક સરકારી સત્તાવાળાઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ કમનસીબે સ્થળાંતર કરનારાઓ માટે વીજળી મેળવવામાં સફળ થઈ શક્યા ન હતા કારણ કે તેના માટે અરજી કરેલ સરનામાંનો માન્ય માલિકી પુરાવો જરૂરી હતો.તેથી  દિલ્હી હાઇકોર્ટમાં અરજ ગુજારવાની ફરજ પડી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:11 am IST)