Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પાકિસ્તાના તાલિબાન પ્રેમને કારણે સાર્ક દેશોના વિદેશમંત્રીઓની બેઠક રદ્દ

પાકિસ્તાન આ બેઠકમાં તાલિબાનના પ્રતિનિધિને સામેલ કરવાની જીદ કરી રહ્યું હતું: ત્યારબાદ ઉભા થયેલા મતભેદોને કારણે ૨૫ સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં યોજાનારી બેઠકને રદ્દ કરવી પડી છે

કાઠમાંડૂ/નવી દિલ્હી,તા.૨૨: પાકિસ્તાનના તાલિબાન પ્રેમને કારણે દક્ષિણ એશિયન દેશોના સમૂહ સાર્ક (SAARC) દેશોના વિદેશ મંત્રીઓની અનૌપચારિક બેઠકને રદ્દ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન આ બેઠકમાં તાલિબાનના પ્રતિનિધિને સામેલ કરવાની જીદ કરી રહ્યું હતું. ત્યારબાદ ઉભા થયેલા મતભેદોને કારણે ૨૫ સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં યોજાનારી બેઠકને રદ્દ કરવી પડી છે. ૨૦૨૦માં કોરોના વાયરસને કારણે સાર્ક દેશોના મંત્રીપરિષદની બેઠક ઓનલાઇન આયોજીત થઈ હતી.

નેપાળી વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે, બધા સભ્ય રાજયોની સહમતિની કમીને કારણે બેઠક રદ્દ થઈ ગઈ છે. સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો કે, સાર્કના મોટાભાગના સભ્ય દેશોએ અનૌપચારિક બેઠકમાં તાલિબાનના શાસનને અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપવાના પાકિસ્તાનની વિનંતી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો.

પાકિસ્તાને તે વાત પર ભાર આપ્યો હતો કે અશરફ ગનીના નેતૃત્વવાળી અફદ્યાન સરકારના કોઈપણ પ્રતિનિધિને સાર્ક વિદેશ મંત્રીઓની બેઠકમાં કોઈપણ કિંમત પર મંજૂરી આપવામાં આવશે નહીં. મોટાભાગના સભ્ય દેશોએ પાકિસ્તાનની આ વિનંતીનો વિરોધ કર્યો. ત્યારબાદ સામાન્ય સહમતિ ન બની શકી અને ૨૫ સપ્ટેમ્બરે યોજાનારી સાર્ક વિદેશ મંત્રીઓની બેઠક રદ્દ કરવી પડી છે.

તાલિબાને ૧૫ ઓગસ્ટે કાબુલ પર કબજો કરી લીધો હતો. આ કારણે અફઘાનિસ્તાનમં અશરફ ગનીની લોકતાંત્રિક સરકારનું પતન થઈ ગયું હતું. આપસી ખેંચતાણ અને પાકિસ્તાનના દખલ બાદ તાલિબાને ઇસ્લામિક અમીરાતની કેબિનેટની પણ જાહેરાત કરી હતી. તેમાં અમીર ખાન મુત્ત્।ાકીને કાર્યવાહક વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન ઈચ્છતું હતું કે તેમાં તાલિબાનના વિદેશ મંત્રી કે કોઈ બીજા મોટા નેતા ભાગ લે. 

(10:32 am IST)