Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

CBSEની મોટી જાહેરાત : કોરોનાથી માતા-પિતા ગુમાવનાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા અને રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ

વિદ્યાર્થીઓ પર કોરોનાની અસરને ધ્યાનમા રાખીને શૈક્ષણિક વર્ષ 2021-22 માટે આ નિર્ણય લેવાયો

નવી દિલ્હી :  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સીબીએસઈએ એ વિદ્યાર્થીઓ પાસેથી બોર્ડ પરીક્ષાની ફી નહીં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમણે કોવિડ 19માં પોતાના માતા-પિતાને ગુમાવી દીધા છે.

મળતી માહિતી મુજબ, CBSEએ કોરોનાથી માતા-પિતા ગુમાવનાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા અને રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે.

પરીક્ષા અને રજિસ્ટ્રેશન ફી મુક્તિની કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેરાતથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ખૂબ મોટી રાહત મળશે. CBSE પરીક્ષા નિયામક સન્યમ ભારદ્વાજે જણાવ્યું કે વિદ્યાર્થીઓ પર કોરોનાની અસરને ધ્યાનાં રાખીને શૈક્ષણિક વર્ષ 2021-22 માટે આ નિર્ણય લેવાયો છે.

કોરોના મહામારીમાં માતાપિતા, વાલી કે રખેવાળ ગુમાવનાર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી કે બીજી કોઈ ફી ચુકવવાની રહેશે નહીં. તેમણે કહ્યું કે ધોરણ 10 અને 12 ના ઉમેદવારોની યાદી સોંપતી વખતે સ્કૂલો આવા વિદ્યાર્થીઓની યાદી પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સીબીએસઈએ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ અસેસમેન્ટ સ્કીમ ખુલ્લી મૂકી હતી.

(12:00 am IST)