Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

૧ લાખના નુકસાન સામે પાક વીમા કંપનીએ ૧ રૂપિયો આપ્યો

મધ્ય પ્રદેશના ખેડૂતની અઢી હેકટર જમીનમાં પાકના નુકસાન સામે વીમા કંપનીએ ૧ રૂપિયો વળતર ચૂકવ્યું

ભોપાલ, તા.૨૨: જગતનો તાત કહેવાતો ખેડૂત લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. હાલમાં જ ખેડૂતો કૃષિ બિલનો વિરોધમાં પણ રસ્તાા પર ઉતર્યા હતા. જોકે તેમની સમસ્યાને સાંભળનારું કોઈ લાગતું નથી. મધ્ય પ્રદેશમાં મોટી સંખ્યામાં ખેડૂતો પાક વિમાની રકમ ખૂબ જ ઓછી મળી રહી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. આ વચ્ચે એક ખેડૂતને ઈન્સ્યોરન્સ કંપનીએ માત્ર ૧ રૂપિયા વળતર ચૂકવ્યું હોવાની રિપોર્ટ આવી રહી છે.

અહેવાલ મુજબ, મધ્ય પ્રદેશના બેતુલમાં એક ખેડૂતના બેન્ક એકાઉન્ટમાં પાક વિમા કંપનીએ ૧ રૂપિયા નાખ્યો. મધ્ય પ્રદેશમાં મોટી સંખ્યામાં ખેડૂતો વીમા કંપનીઓ તરફથી નુકસાનની સરખામણીએ વળતર ઓછું મળતું હોવાની ફરિયાદ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, મધ્ય પ્રદેશની સરકાર તરફથી ૨૨ લાખ ખેડૂતોને વળતર ચૂકવાયું છે.

જેમાંથી એક બેતુલના ખેડૂત પુરણલાલ છે જેમને પોતાના અઢી હેકટરના પાકમાં થયેલા નુકસાનની ભરપાઈ પેટે ૧ રૂપિયા ચૂકવવામાં આવ્યો છે. અન્ય બે ખેડૂતોને પણ વીમા કંપનીઓ તરફથી ૭૦ અને ૯૨ રૂપિયા ચૂકવાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા આ મામલે જવાબ આપવાથી ઈનકાર કરી દેવાયો પરંતુ સીનિયર અધિકારીએ જણાવ્યું કે, વીમા કંપનીઓ દ્વારા ૨૦૦ રૂપિયાથી ઓછું વળતર ચૂકવાયું હોય તેવા ખેડૂતોના નામ ફરીથી રિવ્યૂ કરવા કહેવાયું છે. અધિકારી ઉમેરે છે કે, ડિપાર્ટમેન્ટ આ મામલો ઈન્સ્યોરન્સ કંપની પાસે ફરીથી લઈ જશે.

રિપોર્ટ મુજબ, મધ્ય પ્રદેશમાં પાકની નુકસાની પેટે કુલ ૬૪,૮૯૩ ખેડૂતોને ૮૧.૭૧ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. જોકે તેમાંથી મોટાભાગના ખેડૂતોના એકાઉન્ટમાં સાવ નજીવી રકમ જ નાખવામાં આવી છે.

(3:56 pm IST)