Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજકીય ગરમાગરમી વચ્ચે

પવાર-ઉધ્ધવ ઠાકરેને ઇન્કમટેક્ષની નોટિસ

ચૂંટણી સોગંદનામાના મામલે ઉઠાવાયા છે સવાલ

નવી દિલ્હી, તા.૨૨: સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેની લડત ચાલુ છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી) ના વડા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારને આવકવેરા વિભાગની નોટિસ મળી છે. આ નોટિસ ગત ચૂંટણીમાં અપાયેલા સોગંદનામાને લઈને પહોંચી ગઈ છે.

આવકવેરા વિભાગ દ્વારા શરદ પવાર જ નહીં, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરે, મંત્રી આદિત્ય ઠાકરે, એનસીપીના નેતા સુપ્રિયા સુલેને પણ નોટિસ ફટકારી છે. કહેવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગની આ નોટિસ દ્વારા છેલ્લા કેટલાક ચૂંટણીમાં દાખલ કરાયેલા સોગંદનામાની માહિતી માંગવામાં આવી છે.

મંગળવારે જયારે શરદ પવારને નોટિસ મેળવવા અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે તે લોકો (જે લોકો નોટિસ મોકલે છે) થોડા લોકો કરતા વધારે ઇચ્છે છે. આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તણાવની પરિસ્થિતિ દ્યણા સમયથી ચાલી રહી છે. દરમિયાન આ નોટિસનો મામલો સામે આવ્યો છે.

એટલું જ નહીં કૃષિ બિલનો શરદ પવાર અને શિવસેના દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ રાજયસભાના સાંસદોની સસ્પેન્ડ  મુદ્દે મંગળવારે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એક દિવસનો ઉપવાસ રાખવાની જાહેરાત કરી હતી. આ સમગ્ર રાજકીય વિકાસની વચ્ચે નોટિસના સમાચાર આવી ગયા છે.

કૃષિ બિલ પહેલા સુશાંત સિંહ રાજપૂત કેસ, બીએમસીની કંગના રનૌત પરની કાર્યવાહી અને કોરોના સંકટ મુદ્દે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના-એનસીપી સરકાર સામ-સામે છે.

(3:02 pm IST)